Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગુજરાતમાં ૧રર ડેમ છલકાયાઃ કુલ જળ જથ્થો ગયા વર્ષ કરતા ૯૭પ MCFT ઓછો

રાજયમાં નર્મદા સહિત ર૦૬ ડેમઃ આ વખતનો વરસાદ ૧૩પ.૦પ ટકા : ગયા વર્ષે નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેલ, આ વખતે ચોમાસુ લગભગ પુરૂ થઇ ગયું છેઃ શિયાળાના દિવસો લંબાઇ નહિ તો વધુ વપરાશ અને વધુ બાષ્પીભવનના કારણે કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં જળસંકટ સર્જાવાની ભીતિ

રાજકોટ તા. ૯ : ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાની મહેર થઇ છે હવે કોઇ નવી અણધારી સિસ્ટમ ન સર્જાય તો ચોમાસાએ વિદાય લઇ લીધી છે જુલાઇ-ઓગસ્ટમાં સંતોષકારક વરસાદ રહ્યો છતા કુલ જળ જથ્થો ગયા વર્ષની ૯ ઓકટોબરની સ્થિતિએ ઓછો સંગ્રહિત થયો છે. રાજયમાં નર્મદા સહિત કુલ ર૦૬ ડેમ છે. તે પૈકી ૧રર ડેમ ઓવરફલો થયા હતા. નર્મદાની આજની સપાટી ૧૩પ મીટરે છે.  કુલ સંગ્રહ ક્ષમતાનું ૮૭.રપ ટકા પાણી છે. આ વર્ષનો મોસમનો સરેરાશ વરસાદ ૧૩પ.૦પ ટકા (૪૭ ઇંચ) થયો છે.

સરકારી રેકોર્ડ મુજબ ગયા વર્ષની ૯ ઓકટોબર તમામ ડેમોમાં મળી ર૪૪પ૦ એમ.સી.એફ.ટી. પાણી હતું. આજે ર૩૪૭પ.૧ર એમ.સી.એફ.ટી. છે તે ગયા વર્ષ કરતા ૯૭પ.૭૧ એમ.સી.એફ.ટી. ઓછું છે ટુંક સમયમાં શિયાળો આવી રહ્યો છે હવે વરસાદ થાય તો ડેમોમાં જળ સપાટી વધવાની શકયતા રહે છે. જાણકાર સુત્રોના કહેવા મુજબ ગયા વર્ષે નવેમ્બર મહિના સુધી વરસાદ ચાલુ રહ્યો હતો માર્ચસુધી શિયાળાની અસરના કારણે ભેજવાળુ વાતાવરણ હતું શિયાળમાં પાણીનો વપરાશ અને બાષ્પીભવન ઓછુ થાય છે. આ વર્ષે સપ્ટેમ્બર અંતથી વરસાદ બંધ થઇ ગયો છે. શિયાળાની અસર વધુ સમય ન રહે તો ઉનાળામાંં નર્મદા જેવી મોટી યોજનાઓના લાભાર્થી સિવાઇના વિસ્તારોમાં પીવાના પાણી અને ખેતીના પાણીની ખેંચ પડવાની સંભાવના છે.

(11:24 am IST)