Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

૧૪મીથી ગુજરાતમાં પ૦ ટકા ન્યાયાધીશોની હાજરીથી ફીઝીકલ કોર્ટો શરૂ થશે

તાલુકા લેવલે કડક જોગાવઇ સાથે કોર્ટો શરૂ કરવા હાઇકોર્ટનો નિર્ણય : સવારના ૧૦-૪પ થી બપોરના ૪ વાગ્યા સુધી કોર્ટો ખુલ્લી રહેશે : દરરોજ કોર્ટોને સેનિટાઇઝ કરાશે : માસ્ક ફરજીયાત : અઠવાડીક રોટેશન મુજબ કામગીરી ગોઠવાશે : વકીલોમાં ખુશીની લહેર

અમદાવાદ, તા. ૧૦ : છેલ્લા છ માસથી બંધ ગુજરાતની કોર્ટોની ફીઝીકલ કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કે પ૦ ટકા સ્ટાફ, ન્યાયાધીશની હાજરી સાથે આગામી તા. ૧૪ સપ્ટેમ્બરથી ગુજરાતના દરેક તાલુકા લેવલે કડક જોગવાઇઓ સાથે ફીઝીકલ કોર્ટો શરૂ કરવાનો હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

ખાસ કરીને વકીલો છેલ્લા છ માસથી કામ વગરના થઇ ગયા છે. કોરાનાના કાળા કહેર વચ્ચે વકીલોના પરિવારો માટે આજીવિકાનો મોટો પ્રશ્ન ઉભો થયો હતો. વારંવાર વિવિધ વકીલ મંડળો દ્વારા કોર્ટો શરૂ કરવા માંગણી કરવામાં આવતી હતી જેનો હવે અંત નજીક આવ્યો છે.

આગામી તા. ૧૪ સપ્ટેમ્બરથી પ૦ ટકા કોર્ટોની ફીઝીકલ કામગીરી શરૂ થનાર હોય લોકો-વકીલોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

પ૦% જયુડીશ્યલ અધિકારીઓની હાજરી સાથે અઠવાડીક રોટેશનના ધોરણે કોર્ટો ફીઝીકલ ચાલુ કરી શકાશે.

તાલુકા લેવલની અદાલતો તેમની સમક્ષ દલીલો માટે બાકી મેટરો, યુટીપી મેટર અને બે કે ત્રણ સાક્ષીઓ બાકી હોય તેવા કેસો હાથ ધરી શકશે. કોર્ટ પ્રિમાઇસીસમાં બધા માટે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

અદાલતોને દરરોજ સેનેટાઇઝ કરવાની રહેશે તેમજ કોર્ટનો સમય ૧૦-૪પ થી ૪ સુધીનો રહેશે. લન્ચ બ્રેક ર થી ર-૩૦ તાલુકા લેવલની પ્રત્યેક કોર્ટમાં રોજના રપ થી વધુ કેસ ચલાવવા નહિ, તેવો સકર્યુલર જાહેર કરાયો છે.

(11:44 am IST)