Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમદાવાદઃ જીપને નુકસાન થતા બોલાચાલી બાદ ડ્રાઇવરે ટ્રક નીચે કચડી કરી હત્યા: આરોપી રાજસ્થાનથી ઝડપાયો

જીપ ચાલકે નુકશાનના પૈસા માંગતા ટ્રક ચાલકે યુવકને ટ્રક નીચે કચડી માર્યો

અમદાવાદઃ રામોલ રિંગ રોડ પર ટોલટેક્સ પર ચાર દિવસ અગાઉ બોલેરો જીપને અકસ્માત કરી નુકસાન કરનાર ટ્રક ડ્રાઈવર પાસે જીપ ચાલકે પૈસા માંગ્યા હતા. ઉશ્કેરાયેલા ટ્રક ડ્રાઇવરે યુવકની ટ્રક નીચે કચડી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ગણતરીના દિવસોમાં રાજસ્થાનથી ઝડપી લીધો હતો

 આ અંગેની વિગત મુજબ ખેડા જીલ્લાના ફતેપુર ગામનો રહેવાસી રાજેશ પરમાર તેના કાકાના દીકરા અલ્પેશ પરમાર સાથે બોલેરો જીપ લઈને ગત 5મીના રોજ મહેસાણા મકાઈ ડોડાની ડિલિવરી કરવા ગયો હતો. રામોલ રિંગરોડ ટોલટેક્સ પર સવારે 6.15 વાગ્યે વાહનોની લાંબી કતાર હોવાથી રાજેશ જીપ લઈને લાઈનમાં ઉભો હતો. તે સમયે આવેલી ટ્રકે રાજેશની જીપને પાછળથી ટક્કર મારતા 10 હજાર જેટલું નુકસાન થયું હતું. જેને લઈ રાજેશે ટ્રક ડ્રાઈવર પાસે નુકસાનના ભરપાઈ માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન ટોલટેક્સ કર્મચારીઓએ બન્નેને વાહનો આગળ લઈ વાતચીત કરવા જણાવતા રાજેશ જીપ આગળ લઈને પહોંચ્યો અને સાઈડમાં ઉભી રાખી હતી. ટ્રક ચાલકને રોકવા રાજેશ રોડ પર ઉભો હતો. તે સમયે આવેલા ચાલકે પોતાના ટ્રક નીચે રાજેશને કચડી નાંખી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રામોલ પોલીસે મૃતક રાજેશના ભાઈ અલ્પેશની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રામોલ પોલીસે ટ્રકના નંબરને આધારે તેના માલિકની શોધખોળ કરી બિકાનેરમાં પૂછપરછ કરી હતી. તપાસમાં રાજેશની હત્યા કરનાર ટ્રક ડ્રાઈવર ડુંગરપુર જિલ્લાનો રહેવાસી રામનિવાસ શ્રીરામદાસ સ્વામી હોવાનું ખુલ્યું હતું. રામોલ પોલસે રામનિવાસને ઝડપી લીધો અને પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે પોલીસ સમક્ષ એવું કારણ આપ્યું કે, રાજેશ ટ્રકની ડ્રાઈવર સાઈડ પર ચડયો અને મારો કોલર પકડ્યો હતો.આથી પોતે ભાગવા માટે ટ્રક ભગાવી હતી. આ દરમિયાન રાજેશ રોડ પર પટકાતા તેની પર ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું. રામોલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી પૂરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી છે.

(12:12 pm IST)