Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

લોકડાઉનના લીધે લગ્ન, ઈવેન્ટ, એકઝીબીશન ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાનઃ રાહત પેકેજ જાહેર કરો

(કેતન ખત્રી), અમદાવાદઃ ભારત સરકારે કોવિડ-૧૯ મહામારીના ફેલાવાને નિયંત્રણમાં રાખવા દેશભરમાં સજજડ લોકડાઉનની જાહેરાત કરતાં અર્થવ્યવસ્થાના લગભગ તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોને જંગી ફટકો પડ્યો છે અને ઘણાં ઉદ્યોગો મૃતપાય સ્થિતિમાં આવી ગયાં છે. લગભગ લાખો કરોડનું જંગી કદ ધરાવતા અને કરોડો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પ્રદાન કરતાં વેડિંગ, ઇવેન્ટ અને એકિઝબિશન ઇન્ડસ્ટ્રી પણ મંદીના પ્રકોપથી બચી શકી નથી. જોકે, અર્થવ્યવસ્થાને ટેકો આપવા સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા અને દિશાનિર્દેશો સાથે ઉદ્યોગ-ધંધા પુનઃશરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે માત્ર  ૧૦૦ વ્યકિતની હાજરીની શરતી મંજૂરી અપાઇ છે અને એકિઝબિશન તથા કોન્ફરન્સ સેકટરને કોઇ છૂટ આપવામાં આવી નથી, પરિણામે ઉદ્યોગને જરાય રાહત અનુભવાઇ નથી.

આ સ્થિતિને લક્ષ્યમાં લઇને  ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન, ઇવેન્ટ ઇકવીપમેન્ટ રેન્ટલ એસોસિયેશન(EERA), ઇન્ડિયન એકિઝબિટર્સ, કોન્ફરન્સિસ એન્ડ ઇવેન્ટ્સ સર્વિસિસ એસોસિયેશન (આઇઇએસએ), વીપીએજી, વીપીઇઇઆરએ તથા મંડપ ડેકોર ડાયરર્સ એન્ડ ઇલેકિટ્રકલ એસોસિયેશનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગના અગ્રણીઓએ કેન્દ્ર અને રાજય સરકારને ઉદ્યોગ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા તથા કાર્યક્રમમાં માત્ર ૧૦૦ જ વ્યકિત હાજર રહેવાની મર્યાદા ઉઠાવી લેવા વિનંતી કરી હતી.

આ અંગે કેટરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, અનલોકની માર્ગદર્શિકા સાથે હાલના સમયમાં મહત્તમ ૧૦૦ મહેમાનો સાથે લગ્ન સમારંભોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં ઉદ્યોગની આશા મુજબ તે પર્યાપ્ત નથી. ભારત સમૃદ્ઘ સંસ્કૃતિ અને ઇતિહાસ ધરાવતો ભિન્ન દેશ છે, જયાં લગ્ન, ઉત્સવો તથા અન્ય પ્રસંગો ખૂબજ ઉત્સાહ પૂર્વક ઉજવાતા પ્રસંગો પૈકીના એક છે. આ કાર્યક્રમો મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ પ્રદાન કરે છે ત્યારે સરકાર મહેમાનોના ઉપસ્થિત રહેવાની સંખ્યામાં વધારો કરે તેવી અમારી માગણી છે.

ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના સ્થાપક અને પ્રમુખ ડો.જયદીપ મહેતાએ જણાવ્યું હતું કે, નાના-મોટા ઉદ્યોગો કોરોનાના ફટકાએ દરેકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યુ છે. વ્યવસાયો જટિલતા, અનિશ્ચિતતા અને અવિશ્વસનીય ભવિષ્યનો સામનો કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ અને સરકારનો આભાર કે જેઓ અર્થવ્યવસ્થાને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

(3:14 pm IST)