Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોનાકાળમાં વતન ગયા બાદ સુરત પરત ફરેલા 100 પરપ્રાંતિય શ્રમિકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ

સુરત: કોરોના કાળમાં સુરત માટે એક મોટી સમસ્યા સામે આવી રહી છે. લોકડાઉન સમયે જે લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો પોત પોતાના વતન ચાલ્યા ગયા હતા. તેઓ હવે રોજગારી માટે પરત સુરત આવી રહ્યા છે. જેથી શહેરમાં કોરોના વધવાની દહેશત સ્પષ્ટ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા માની રહી છે કે, કોરોના કેસોમાં વધારો થઇ શકે છે. હાલ મળેલી માહિતી મુજબ, અત્યાર સુધી પરપ્રાંતિય શ્રમિકોમાંથી 100 જેટલા શ્રમિકોનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે, જેથી તંત્ર હરકતમાં આવ્યું છે.

પરત ફરતા શ્રમિકો માટે પોલિસી તૈયાર કરી

ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં કોરોના વધવાની દહેશત જોવા મળી રહી છે. કારણ કે, લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં જે પરપ્રાંતિયો વતન ચાલ્યા ગયા હતા, તેઓ ટ્રેન મારફતે પરત આવી રહ્યા છે. આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, આવનાર દિવસોમાં વધુ સંખ્યામાં શ્રમિકો સુરત પરત આવી શકે છે. જે માટે પાલિકાએ પોલિસી તૈયાર કરી છે. સ્ટેશન પર જ કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. પરંતુ સમસ્યા એ પણ છે કે મોટી સંખ્યામાં શ્રમિકો આવશે તો કેવી રીતે કોરોનાને કંટ્રોલ કરી શકાય. જેથી પાલિકા દ્વારા ગાઈડલાઈન ત્યાર કરવામાં આવી છે. કે જે પણ શ્રમિકો સુરત આવશે તેઓને સાત દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવાની ફરજ રહેશે.

શ્રમિકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન રહેવુ પડશે

તેઓએ વધુમાં જણાવ્યું કે, જે લોકો કોરોના ટેસ્ટિંગ કરાવી લેશે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓને સાત દિવસ સુધી ક્વારેન્ટાઇન રહેવાની જરૂર રહેશે નહિ અને તેઓ પોતાની નોકરી પર પણ જઈ શકશે. પરંતુ જે લોકોએ ટેસ્ટિંગ નહીં કરાવ્યું હોય અને તેમને લક્ષણો હોય તો પણ તેઓને લક્ષણો મુજબ ટેસ્ટિંગ કરાવવાનું રહેશે અને સાત દિવસ સુધી ક્વારેન્ટાઇન રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં મોટી સંખ્યામાં શ્રમિકો અલગ અલગ રાજ્યોમાંથી ફરી પરત આવી રહ્યા છે. શ્રમિકો પરત ફરતા કોરોના વધવાની દહેશત જોવા મળી રહી છે. મનપા દ્વારા રેલવે સ્ટેશન ઉપર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તેમાં 100 જેટલા પોઝિટિવ મળી આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો મળતા તંત્રની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે સુરતના અઠવા વિસ્તારમાં સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ રાંદેર અડાજણ વિસ્તારમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

સુરતમાં રાત્રે 10 વાગ્યા બાદ લારીઓ બંધ

તો બીજી તરફ, સુરતમાં સ્ટ્રીટ વેન્ડર માટે SOP બનાવાઈ છે. મનપા કમિશ્નર બંછાનિધી પાનીના આદેશ મુજબ, સુરતમાં 10 વાગ્યા પછી ખાણી-પીણીની લારીઓ બંધ કરવામાં આવશે. હવેથી એક સાથે લારી પર લોકો જમી શકશે નહિ. ગ્રાહકોને જમવાનું પાર્સલ આપવામા આવશે. સાથે જ સુરત રેલવે સ્ટેશન પર ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે. અઠવા અને રાંદેર ઝોનમાં સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(4:29 pm IST)