Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમદાવાદમાં કોવિડ હોસ્‍પિટલમાં 64 જેટલા તબીબોના કોરોના રિપોર્ટ પોઝીટીવઃ મોટાભાગના રેસિડેન્‍ટ તબીબો

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુને વધુ વિસ્તારોને અડી રહ્યુ છે. શહેરના પશ્ચિમ ભાગમાં કોરોનાનો કહેર વધ્યો છે. આવામાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જે મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. SVP હોસ્પિટલના 26, એલજી હોસ્પિટલના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના પોઝિટિવ થનાર તબીબોમાં મોટાભાગના રેસિડેન્ટ ડોકટરનો સમાવેશ થાય છે.

4 રેસિડન્ટ તબીબોને ફરી કોરોના થયો

SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટર એવા છે, જેઓને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ કોરોનાથી સાજા થયા બાદ ફરી તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સમયાંતરે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કોરોના રિપોર્ટ કરવામાં આવતા હોય છે. જેના અંતર્ગત રિપોર્ટ કરાતા મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોનાથી સંક્રમિત જણાયા છે.

મચ્છરજન્ય રોગો વધ્યા

એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ગતવર્ષની તુલનામાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા હોવાનું તારણ છે. ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના મત મુજબ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યાનું અનુમાન છે. આ વિશે અમદાવાદના MD ફિઝિશિયન જણાવે છે કે, છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેરમાં ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છર કરડવાથી ચિકનગુનિયા થતો હોવાથી ખાસ કાળજી લેવા ડૉક્ટરોએ સૂચન કર્યું છે. આવામાં તાવ આવે, સાંધા દુઃખે, શરીરમાં દુખાવો થાય એ ચિકનગુનિયાના લક્ષણ હોવાથી ખાસ સાવચેત રહેવા ડોક્ટરોની સલાહ છે.

લોકો સરકારી હોસ્પિટલમાં જતા અટક્યા, ખાનગી તબીબો પાસે ભીડ વધી

કોરોના મહામારીમાં AMC ના મોટાભાગના કર્મચારીઓ સતત કાર્યરત હોવાથી ફોગીંગ સહિતની કામગીરી સતત ના થઈ શકતા મચ્છરજન્ય રોગોથી સાવચેત રહેવું જરૂરી છે. કોરોનાના દર્દીઓની સતત સારવાર માટે કાર્યરત રહેતા તંત્ર કરતા દરેક વ્યક્તિ પોતે સચેત રહી આસપાસ સ્વચ્છતા રાખે પાણી ભરાયેલું ના હોય તેની તકેદારી રાખે તે જરૂરી છે. હાલના સંજોગોને જોતા જાતે જ કોઈ દવા લીધા કરતા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જોકે કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ મચ્છરજન્ય રોગો કન્ટ્રોલમાં હોવાનો દાવો કરાય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે શહેરીજનો સિવિલ કે કોર્પોરેશન સંચાલિત ભીડભાળવાળી હોસ્પિટલમાં જવાને બદલે ખાનગી ડોક્ટરો તરફ વળ્યા હોવાનો અંદાજ છે. આવામાં ખાનગી તબીબો પાસે દર્દીઓનો ભરાવો પણ થઈ રહ્યો છે.

(4:31 pm IST)