Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં એકજ દિવસમાં ર૬ર કેસ કોરોનાના મળ્યાઃ ચાંદલોડિયાના ૪ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા

ર૬ર કેસ એકજ દિવસમાં આવતા લોકો ફફડી ઉઠયા

અમદાવાદઃ અત્રે ચાંદલોડિયા વોર્ડમાં એકજ દિવસમાં ર૬ર કેસ કોરોનાના મળ્યા છે. ચાંદલોડિયાના ૪ વિસ્તાર માઇક્રો ઇન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. એજ દિવસમાં ર૬ર કેસ આવતા લોકો ફફડી ઉઠયા છે.

કોર્પોરેશન કયા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં કેટલાં કોરોના પોઝિટિવ કેસો આવ્યા તે દર્શાવતું નથી. આમ પ્રજામાં જાગ્રતિ ફેલાવવાના બદલે કોર્પોરેશન કેમ માહિતી જાહેર કરતી નથી તે યક્ષપ્રશ્ન છે. આ આંકડો પ્રકાશમાં આવતા કોર્પોરેશનમાં હડકંપ મચી ગયો છે અને અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. કોર્પોરેશનના રાજકીય અગ્રણીઓનાં ફોનથી હાહાકાર મચી ગયો છે.

ચાંદલોડિયા વોર્ડમાં ઓગણજ તથા ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ( યુ.એચ.સી. ) દ્રારા આજે રહેણાંક સોસાયટીઓમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઓગણજ યુ.એચ.સી. દ્રારા 7158 તથા ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર તરફથી 4983 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ઓગણજની ટીમ દ્રારા 150 કેસ જયારે ચાંદલોડિયા ટીમ દ્રારા 112 પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા હતા. આમ 262 કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાતો ફેલાઇ છે.

જો કે કોર્પોરેશનના અધિકારીઓએ દ્રારા હજુ સુધી આ બાબતે કોઇ જાહેરાત કરી નથી. પરંતુ તેમના તરફથી જાહેર કરાતી માઇક્રો કન્ટેઇન્મેન્ટની યાદીમાં ચાંદલોડિયા વિસ્તારના ધનજીકાકા નગર, ચાણકયપુરી પાસે સાયોના 3માં તથા વિનાયક પાર્ક ઉપરાંત ચાંદલોડિયા ગામ નજીક ગોર વાસના અમૂક વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકયાં હોવાની જાહેરાત કરી છે.

આવી જ રીતે બોડકદેવ વિસ્તારના પાંચ સ્થળોને પણ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો તરીકે જાહેર કર્યા છે. આમ કેસોનું પ્રમાણ વધ્યું છે પરંતુ કોર્પોરેશન તરફથી આ વિસ્તારના આંકડાની કોઇ જાહેરાત કરી નથી. ત્યાં સુધી કે કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો જેવી કે એસ.વી.પી., એલ.જી. તથા શારદાબેન હોસ્પિટલના ડોકટરો ખુદ કોરોના પોઝિટિવ આવ્યા છે. છતાં તે અંગે પણ કોઇ અધિકારીઓએ મૈન તોડયું નથી.

એક તરફ જિલ્લા કલેકટર કચેરી તરફથી રાબેતા મુજબ દરરોજ કયા તાલુકામાં કેટલાં ટેસ્ટ થયા, કેટલાં કોરોના પોઝિટિવ આવ્યાથી માંડીને કેટલાં હોસ્પિટલમાં દાખલ, કેટલાંને હોમ કવોરોન્ટાઇન કરાયાં વગેરે ઝીણવટભરી વિગતો જાહેર કરવામાં આવે છે. તેની સામે કોર્પોરેશન તરફથી માહિતી તો જાહેર કરવામાં આવતી નથી પરંતુ કોઇ અધિકારી ફોન ઉપાડતાં નથી અને જે ફોન ઉપાડે છે તે અજાણતા દાખવે છે.

દરરોજની માફક આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી માઇક્રો કન્ટેઇન્ટમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ 378 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં અમલી હતા. તેમાંથી 28 વિસ્તારોને દૂર કરવામાં આવતાં આંકડો 350 પર પહોંચ્યો હતો. તેની સામે 24 વિસ્તારો ઉમેરાંતા આ આંકડો 378 પર પહોંચ્યો છે. જેમાં દક્ષિણ ઝોનમાં 6 વિસ્તારો, ઉત્તર ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2, મધ્ય ઝોનમાં પણ 2, પશ્ચિમ ઝોનમાં 1, પૂર્વ વિસ્તારમાં 2 તથા ઉત્તર પશ્ચિમ ઝોનમાં 9 વિસ્તારો છે. જેમાં બોડકદેવના 5 વિસ્તારો તથા ચાંદલોડિયાના ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે.

(11:42 pm IST)