Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ચૂંટણી પંચ ભાજપના ઇશારે નાચે છે ? સ્‍વતંત્ર સંસ્‍થાઓની સ્‍વતંત્રતા છીનવાતા દેશમાં લોકશાહી નામમાત્ર રહી ગઇ છેઃ શંકરસિંહ વાઘેલાએ સવાલ ઉઠાવ્‍યા

ગાંધીનગર: ભાજપના અમદાવાદ મીડિયા સેલની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા પછી અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે ચૂંટણીની તારીખ તો ભાજપ સંગઠન નક્કી કરે છે તેમ કહી વિવાદ ઉભો કર્યો હતો. પૂર્વ મેયરના નિવેદન બાદ પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે, ચૂંટણી પંચ ભાજપના ઇશારે નાચે છે? સ્વતંત્ર સંસ્થાઓની સ્વતંત્રતા છીનવાતા દેશમાં લોકશાહી નામમાત્ર રહી ગઇ છે!

શું હતી ઘટના?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના અમદાવાદ મીડિયા સેલની બેઠક મળી હતી. આ બેઠક બાદ અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે કહ્યુ કે, ‘ચૂંટણીની તારીખ ભાજપનું સંગઠન નક્કી કરે છે, તેનો અર્થ એવો કે તારીખ ચૂંટણી પંચ નક્કી નથી કરતું. પૂર્વ મેયરના નિવેદન બાદ ભાજપના નેતાઓએ તે સુધારવા માટે મથામણ કરી હતી.

ભાજપના 50 ટકા કોર્પોરેટરની ટિકિટ કપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 50 ટકા કોર્પોરેટરની ટિકિટ કાપવામાં આવે તેવી ચર્ચા શરૂ થઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપના મોવડી મંડળને ખુશ કરવા માટે કેટલાક કોર્પોરેટરોએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધુ છે. શહેરની પ્રજા આ કોર્પોરેટરોથી નારાજ છે.

ફેબ્રુઆરીના અંતમાં યોજાઇ શકે છે ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ઉતરાયણ પછી કરવામાં આવી શકે છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણીને લઇને તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આ વખતે અન્ય કેટલીક પાર્ટીઓ પણ ચૂંટણી લડવાની છે. જેમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપ-કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી, બીટીપી-AIMIM પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવાની છે. જેને લઇ ત્રિપાંખીયો જંગ જામી શકે છે.

(5:18 pm IST)