Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અમદાવાદમાં દાવાનળની જેમ ફેલાતો કોરોનાઃ માત્ર 2 વોર્ડ બોડકદેવ અને ચાંદલોડિયામાં એક સાથે 452 પોઝીટીવ કેસથી ગભરાટ

અમદાવાદ: ગુજરાતમાં રોજેરોજ કોરોનાના વાયરસનો નવો વિસ્ફોટ થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરની પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. અમદાવાદમાં દાવાનળની જેમ કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદના ચાંદલોડિયામાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી બાજુ કરાઈ પોલીસ એકેડમીમાં 30 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કર્ણાવતી કલબના 3 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્ય સરકારે જે રીતે દરેક શહેરોમાં એગ્રેસિવ ટેસ્ટિંગ હાથ ધર્યું છે, તેને પરિણામે વધુને વધુ કેસ સામે આવી રહ્યાં છે. માત્ર બોડકદેવ અને ચાંદલોડિયા વિસ્તારમાં જ 452 કેસ થઈ ગયા છે.

મે મહિના બાદ કોરોના 2 વોર્ડમાં કોરોના બ્લાસ્ટ

મે મહિના પછી પહેલીવાર અને તે પણ માત્ર બે જ વોર્ડ બોડકદેવ અને ચાંદલોડિયામાં કોરોનાના 452 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. બુધવારે બોડકદેવમાં અંદાજે 12 હજાર ટેસ્ટ કરાયા હતા, જેમાં 190 પોઝિટિવ મળ્યા હતા. જ્યારે ગુરુવારે ચાંદલોડિયામાં પણ આટલા જ ટેસ્ટ કરાયા જેમાં 262 પોઝિટિવ મળી આવ્યા હતા. છેલ્લા કેટલાય મહિનાથી મ્યુનિ. કોરોનાના સાચા આંકડા છુપાવે છે. આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે ત્યારે એક અધિકારીએ આ ભાંડો ફોડી નાખ્યો હતો. કમિશનર અને ઉચ્ચ અધિકારીએ આ અધિકારીને તતડાવ્યા હતા. સત્તાવાર યાદીમાં કોરોનાના કેસ માત્ર 148 અને બુધવારે 149 મળી બે દિવસમાં 297 કેસ જાહેર કર્યા હતા.

રેપિડ ટેસ્ટથી વધુ કેસ બહાર આવ્યા

ઓગણજ UHC દ્વારા 7158  ચાંદલોડિયા UHC દ્વારા ગઈકાલે 4983 ટેસ્ટ થયા હતા. ઓગણજની ટીમ દ્વારા 150 કેસ જ્યારે ચાંદલોડિયા ટીમ દ્વારા 112 પોઝિટિવ આવ્યા છે. રહેણાંક સોસાયટીઓમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં કોરોના આંકડા અંગે amc ની રમતનો મોટો પર્દાફાશ થયો છે. જોકે, Amc દ્વારા આ મામલે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. Amc દ્વારા આ મામલે સત્તાવાર કોઈ નિવેદન પણ આપવામાં આવ્યું નથી. આ આંકડાની પોલ ખૂલી જતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંકડા બહાર આવવા મામલે તપાસ શરૂ કરાઈ છે. સ્થાનિક કોર્પોરેટરો પર દબાણ લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, કોર્પોરેટરો દ્વારા સોસાયટી હોદ્દેદારો પર દબાણ મૂકવામાં આવી રહ્યું છે.

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

અમદાવાદમાં Amc માઈક્રો કન્ટેઇનમેન્ટની નવી યાદી જાહેર કરાઈ છે. જોકે, સરકારી યાદી મુજબ માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. વધુ 24 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 28 વિસ્તારો રદ્દ કરવામાં આવ્યા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 374 પર પહોંચી ગઈ છે. વધતા કેસની સામે માઈક્રો કન્ટેઇનમેન્ટ સંખ્યા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

(4:34 pm IST)