Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કલોલના સઇજ હાઇવે પર જુદા જુદા ત્રણ ગમખ્વાર અકસ્માતમાં બે ભાઈઓના ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજ્યા

ગાંધીનગર:સઇજ હાઇવે રોડ પર મોડી રાત્રે બાઇક પર જતા બે ભાઇઓને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેમાં બંને ભાઇઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યા હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક બંનેના શરીરના માસના લોચા બહાર આવી ગયા હતાં. ત્યારે બીજા એક અકસ્માતમાં કલોલ હાઇવેના બ્રિજ ઉપર પણ એક મહિલાને અજાણ્યા વાહનચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. બેભાન હાલતમાં મહિલાને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડયો હતો. પોલીસે બંને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના માણકી ગામમાં રહેતા ભાનાભાઇ લુબાજી વાઘડા ..૩૫ અને રમેશભાઇ લૂબાજી વાઘડા ..૨૧નાઓ પોતાના મિત્રનું બાઇક લઇને માણકી ગામથી વડોદરા જવા નીકળ્યા હતા. ત્યારે તારીખની મોડી રાત્રે તેઓ કલોલના સઇજમાં આવેલો ઓવરબ્રીજ ઉતરી રહ્યા હતા તે વખતે બેફામ ગતિએ હંકારીને આવતા અજાણ્યા વાહનચાલકે બાઇકને ગમખ્વાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર બંનેના માસના લોચા નીકળી ગયા હતા. ઘટનામાં ભાનાભાઇ અને રમેશનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ત્યારે મૃતકોના ભત્રીજા નૈલેશ ચૌધરીને ઘટનાની જાણ થતાં તે કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ગયો હતો. જ્યાં બંને યુવાન કાકાઓની લાશ પોસ્ટમોર્ટમ રૂમમાં પડી હતી. તેની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી હાઇવે રોડ પરના સીસીટીવી કેમેરા ચેક કરાવી તજવીજ હાથ ધરી છે. ત્યારે અકસ્માતની બીજી એક ઘટના કલોલના જનપથ પેટ્રોલપંપ પાસે આવેલા ઓવરબ્રિજ પર બની હતી. તા. સપ્ટેમ્બરની રાત્રે અજાણી મહિલા ઉવ.૫૦ ની બ્રિજ પરથી જઇ રહી હતી તે વખતે પૂરઝડપે વાહન હંકારીને આવતા અજાણ્યા વાહનચાલકે મહિલાને ગમખ્વાર ટક્કર મારી હતી. શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મહિલા બેભાન થઇ ગઇ હતી. જો કે અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ભાગી છૂટયો હતો. મહિલાને બેભાન હાલતમાં પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તેનું મોત નિપજ્યું હતું. મૃતક મહિલાની હજી સુધી ઓળખ થઇ નથી. કલોલ શહેર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કલોલના નેશનલ હાઇવે રોડ પર અકસ્માતના બનાવો ખૂબ વધી ગયા હોવાથી વાહનચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સઇજના ગોઝારા ઓવર બ્રીજને અકસ્માત ઝોન જાહેર કરાયો હોવા છતાં પણ અકસ્માતોની ઘટનાઓ હજી સુધી અટકી નથી ! બ્રિજનો વળાંક ખૂબ ભયજનક હોવાથી અકસ્માતની ઘટનાઓ સર્જાય છે.

(6:48 pm IST)