Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અમુલ મિલ્‍ક ફેડરેશનના કર્મચારીનો ભાંડો ફૂટતા પત્‍નીએ લગ્ન જીવનના 23 વર્ષ બાદ શારીરિક અને માનસિક ત્રાસ અને દહેજની માંગણી મુદ્દે પોલીસ ફરિયાદ કરી

અમદાવાદ: અમૂલ મિલ્ક ફેડરેશનમાં નોકરી કરતા કર્મચારીની પ્રેમલીલાનો ભાંડો ફૂટી જતા પત્નીએ લગ્નજીવનના 23 વર્ષ બાદ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અને દહેજની માંગણી અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

લગ્ન અગાઉથી પતિ જે મહિલાને પ્રેમ કરતો તેની સાથે લગ્ન બાદ પણ પોતાના સબંધો ચાલુ રાખ્યા હતાં. 2019માં પત્નીને પતિના પરસ્ત્રી જોડે આડાસબંધો હોવાની જાણ થઈ હતી. પત્નીએ ઘરના વડીલને વાત કરતા તેઓએ પતિને પરસ્ત્રી સાથે દિલ્હીમાંથી રંગે હાથ ઝડપ્યો હતો. પતિની પ્રેમલીલા ખુલ્લી પડતા પત્નીએ પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા સેજલબેન (નામ બદલ્યું છે)ના લગ્ન 1997માં અમૂલ મિલ્ક ફેડરેશનમાં નોકરી કરતા મૂળ વિજાપુરના અને હાલ શાહીબાગ વિસ્તારમાં રહેતા કમલભાઈ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ પત્ની સેજલને કમલ થોડા દિવસ આણંદ તો થોડા વિજાપુર રાખતો હતો.

આ દરમિયાનમાં પતિ પોતાની ગેરહાજરીમાં પરસ્ત્રીને લાવતો હોવાની જાણ પત્નીને થઈ, ત્યારે પતિએ જોનીતા (નામ બદલ્યું છે) સાથે સેજલની મુલાકાત કરાવી હતી. તે સમયે સેજલને શંકા જતા તેણે પતિનો ફોન ચેક કર્યો જેમાં તે કલાકો સુધી જોનીતા સાથે વાતચીત કરતો હોવાનું ધ્યાને આવ્યું હતું.

બીજી તરફ સાસુ,નણંદ સહિતના સાસરિયાં સેજલને કહેતા કે, તું કરિયાવરમા કઈ લાવી નથી. કમલના લગ્ન જોનીતા સાથે કરવાના હતા. તું સમાજની હતી એટલે તારી સાથે કરાવ્યા તેમ કહી એલફેલ બોલતા હતા. પતિ પણ મારે જોનીતા સાથે લગ્ન કરવાના હતા, પણ ઘરવાળાએ તારી સાથે લગ્ન કરવી દીધા છે.

આ દરમિયાન 2019માં સેજલની જાણ થઈ પતિ ઓફિસના કામથી બહાર જવાનું કહી જોનીતા સાથે ટૂર કરે છે. પતિ જોનીતાને તેના જન્મદિવસે દિલ્હી લઈ ગયો હતો. આ બાબતે સેજલે વડીલોને વાત કરતા તેઓએ કમલને જોનીતા સાથે રંગેહાથ દિલ્હીમાં ઝડપ્યો હતો. પતિએ જોનીતાના ખાતામાં રૂ.1 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે બાબતે સેજલ પૂછતાં કોઈ જવાબ આપ્યો ન હતો.

બીજી તરફ પતિ અને સાસરિયાં સેજલને પિયરમાંથી રૂ.10 લાખ કાર માટે લાવવા દબાણ કરતા હતા. સેજલ પાસે પતિએ પિયરમાંથી રૂ.50 હજાર મંગાવ્યા પણ હતા.

પતિ કમલે પત્ની અને સમાજના લોકોની માફી માંગી ફરી જોનીતા જોડે સબંધ નહીં રાખે તેવી ખાતરી આપી હતી. જે બાદ કમલે પોતાના ઘરે જવાનું ઓછું કરી નાખ્યું પત્ની સેજલ અને 21 અને 12 વર્ષના બે પુત્રોનો ખર્ચ પણ પૂરો પાડતો ન હતો. જોનીતા સાથે વાતચીત અને સબંધ રાખવાનું શરૂ કર્યું હતું. આખરે પિયરમાં બે પુત્રો સાથે પરત ફરેલી સેજલે પતિ,સાસુ,સસરા સહિતના લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(4:50 pm IST)