Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વડોદરાના નિઝામપુરામાં સોડાશોપની દુકાનમાં પોલીસે દરોડા પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને 18 હજારની રોકડ સાથે ઝડપ્યા

વડોદરા: શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સોડાશોપની દુકાનમાં દરોડો પાડી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા બે શખ્સોને ઝડપી પાડી રૂપિયા 18 હજારની મતા કબજે કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અજીતભાઈ પટેલ નામનો વ્યક્તિ તેના મિત્ર સાથે મળીને નિઝામપુરા વિસ્તારના નાનુભાઈ ટાવરની સામે આશ્રય ફ્લેટ ખાતે આવેલી સોડાશોપ ની દુકાન માં ઉપરના પાટેશન વાળા રૂમમાં બેસી હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનના માધ્યમથી ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે.

જેના આધારે પોલીસે દરોડો પાડી અજીત પટેલ (રહેવાસી રુદ્રાક્ષ ફ્લેટ છાણી જકાતનાકા વડોદરા) અને કેશવભાઈ પટેલ (રહેવાસી  વિહડ સોસાયટી અભિલાષા ચાર રસ્તા વડોદરા) ને ઝડપી પાડયા હતા દરોડા દરમિયાન પોલીસે બે મોબાઇલફોન, એક એલઈડી ટીવી, સેટપ બોક્સ સહિત 18 હજાર રૂપિયાની મત્તા કબજે કરી હતી. જ્યારે ઠક્કર ભાવિન (રહેવાસી મહેસાણા નગર નિઝામપુરા વડોદરા) અને નરેશ સિંધી (રહેવાસી ચાણક્યપુરી સોસાયટી સમા વડોદરા) ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:04 pm IST)