Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ટ્રાવેલ્સ બસ રોકી એલસીબીએ ૨૮ લાખનો ગાંજો ઝડપ્યો

હાઇવે પર ફિલ્મી સ્ટાઇલમાં ગાંજો ઝડપ્યો : વલસાડ નજીક હાઈ-વે પરથી ૨૮ લાખની કિંમતના ૨૮૩ કિલો જેટલા ગાંજાનો જથ્થો ભરેલી ટ્રાવેલર બસને ઝડપી

વલસાડ,તા.૧૨ : વલસાડ જિલ્લા એલસીબી પોલીસે નસીલા ગાંજાનું એક મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે વલસાડ નજીક હાઈ-વે પરથી રૂપિયા ૨૮ લાખની કિંમતના ૨૮૩ કિલો જેટલા ગાંજાનો જથ્થો ભરેલી ટ્રાવેલર બસને ઝડપી પાડી છે. સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસ મળેલી બાતમીના આધારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. એ વખતે જ વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા એક ટ્રાવેલર બસને રોકવા માટે એલસીબીની ટીમે પ્રયાસ કર્યો હતો. જોકે આ બસ ચાલકે પોલીસની ટીમને જોતા જ પૂર ઝડપે બસને હાઇવે પર દોડાવી મુકી હતી. આથી હકીકત સમજી ચૂકેલી એલસીબી પોલીસની ટીમે હાઇવે પર ફરાર થઈ રહેલી આ ટ્રાવેલર બસનો પીછો કર્યો હતો. થોડા સમય સુધી એલસીબીની ટીમ અને ટ્રાવેલર બસ વચ્ચે પૂર ઝડપે રેસ થઈ હતી અને હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

આખરે વલસાડના ધમડાચી નજીક પહોંચતા જ એલસીબીની ટીમે આ ટ્રાવેલર બસને રોકવામાં સફળતા મળી હતી. પોલીસે તપાસ કરતાં બસમાં કાંઈ શંકાસ્પદ જોવા મળ્યું ન હતું પરંતુ પોલીસને બાતમી મળી હોવાથી તેની તપાસ કરતા બસમાંથી ચોર ખાનામાં છુપાવવામાં આવેલો અંદાજે ૨૮ લાખ રૂપિયાની કિંમતનો ૨૮૩ કિલો જેટલા નશીલા પદાર્થ ગાંજાનો મોટા જથ્થાને જપ્ત કર્યો હતો. બસમાંથી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા શકીલ બદરુદ્દીન નામના આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે મોકાનો લાભ લઈને આરોપી શકીલનો મામાનો દીકરો નદીમ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે હાઇવે પરથી પસાર થતાં ટ્રાવેલર બસમાંથી રૂપિયા ૨૮ લાખની કિંમતના ગાંજાના જથ્થાને જપ્ત કરી ગાંજાના રેકેટના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો આરોપીઓએ યુપીથી મંગાવ્યો હતો અને મુંબઈથી તેઓ અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા હતા. અમદાવાદમાં આ ગાંજો નદીમ નામના આરોપીના મિત્ર સુધી પહોંચાડવાની હકીકત જાણવા મળી છે.

આ ગાંજાનો જથ્થો કોણે ભરાવ્યો હતો? કોને આપવાનો હતો? સાથે જ ગાંજાના રેકેટના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે વલસાડ એલસીબી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લામાંથી નશીલા ગાંજાનો કાળો કારોબાર ઝડપાઈ ચૂક્યો છે. જોકે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાવવાનો આ પ્રથમ કેસ છે. વલસાડ એલસીબી પોલીસે આ ગાંજાના જથ્થા જપ્ત કરી રેકેટના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(9:45 pm IST)