Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વિદ્યાર્થીઓનું ભાવિ જેમના હાથમાં છે તેવા શાળાના આચાર્ય-શિઙ્ખાકો દ્વારા બોર્ડની ચૂંટણી માટે રજુ કરાયેલા આવેદનપત્રોમાં જન્મતારીખમાં ભુલો આવતા દેકારોઃ ૨૯૭ મતદારોના નામો રદ્દ

અમદાવાદ: વિદ્યાર્થીઓનું ભાવિ જેમના હાથમાં છે તેવા શાળાના શિક્ષક, આચાર્યથી માંડીને બિન શૈક્ષણિક સ્ટાફ દ્રારા ભૂલો કરવામાં આવી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. તેમાંય વળી જન્મતારીખમાં ભૂલ હોવાનું ખુલ્યું છે.

જો કે બોર્ડ દ્રારા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગેની જાણ કરીને સુધારો કરાવી લેવા સૂચના આપી છે. બોર્ડની સામાન્ય ચૂંટણી માટે રજૂ કરેલા આવેદનપત્રોમાં આચાર્યો, શિક્ષકો તથા બિન શૈક્ષણિક સ્ટાફની જન્મ તારીખમાં ભૂલો હોવાનો પર્દાફાશ થયો છે.

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચૂંટણી અધિકારી ડી.એસ. પટેલે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આગામી બોર્ડની સામાન્ય ચૂંટણી માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ સમક્ષ રજિસ્ટર થયેલી શાળાઓ દ્રારા વિવિધ હોદ્દાઓ માટે આવેદનપત્રો મળ્યા છે.

આ આવેદનપત્રોની ચકાસણી દરમિયાન કેટલાંક હોદ્દાઓ જેવાં કે આચાર્ય, શિક્ષક અને બિન શૈક્ષણિક સ્ટાફ વગેરે દ્રારા જન્મતારીખ દર્શાવેલી નથી અને દર્શાવી હોય તો તે ભૂલભરેલી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી તેમની એક્સલ સીટ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપી છે.

તેની સાથે જણાવ્યું છે કે, ટૂંક સમયમાં ચૂંટણી અધિકારી દ્રારા મતદાર યાદી સુધારા તેમ જ વાંધા માટે વેબસાઇટ પર મૂકાશે. ત્યારે જે અરજદારોએ જન્મ તારીખની વિગતમાં ક્ષતિ રાખી છે તેઓને જાણ કરીને જન્મ તારીખમાં રહેલી ભૂલનો સુધારો ઓનલાઇન કરી લે. જો કોઇ અરજદારની જન્મ તારીખ ખોટી અથવા તો અધૂરી ભરેલી હોવાના કારણે મતદાનથી વંચિત ન રહે તે ખાસ જોવા તાકીદ કરાઇ છે.

297 મતદારોના નામો રદ થયા

બોર્ડ દ્રારા 25થી 28મી સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઇન ચકાસણીમાં એક જ હોદ્દા માટે એક કરતાં વધુ અરજદારોએ એક હોદ્દા માટે બે વાર અરજી કરી હોય કે પછી આવેદનપત્રમાં વિગત અધૂરી દર્શાવી હોવા સહિતના વિવિધ કારણોસર અરજદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. પ્રાથમિક મતદાર યાદી ટૂંક સમયમાં ચૂંટણી અધિકારી દ્વારા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેમ જણાવાયું છે. તેની સાથે અરજદારો વિરુદ્ધની રજૂઆતો પણ ખોટી હોવાનું જણાવ્યું છે.

(5:18 pm IST)