Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

શખ્સે સાસરિયાથી બચવા પાંચ પિસ્તોલ ખરીદી હતી

એક કરોડની ખંડણી કેસમાં મુખ્ય સુત્રધારની કબૂલાત : પ્રેમ લગ્ન કર્યા હોવાથી આરોપીએ ડરના લીધે મધ્યપ્રદેશના મુરૈનાથી પાંચ પિસ્તોલ અને બાવન કારતૂસ ખરીદ્યા હતા

અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદ પોલીસે એક કરોડની ખંડણીના કેસમાં પાંચ જણાની ધરપકડ કરી હતી તેમાંથી મુખ્ય સૂત્રધાર યુવકે કરેલી કબૂલાતથી નવો વળાંક આવ્યો છે. જેમાં યુવકે પોતે પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે પોતાના પર હુમલો થવાના ડરે આ પિસ્તોલ મધ્યપ્રદેશથી ખરીદી હોવાનું કબૂલ્યું છે.

ક્રાઈમ બ્રાંચે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ રોજ જશોદાનગર કેડિલાબ્રિજ પાસેથી યુવકના અપહરણ કેસમાં ૧૦ આરોપીઓમાંથી ૫ની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર ખોખરાના ભાઈપુરાના અને આણંદમાં રહેતા સંજય ઉર્ફે ભઈલુ સોમાભાઈ વેરસીભાઈ દેસાઈ (રબારી)એ કબૂલાત કરી છે કે, તેણે પ્રેમ લગ્ન કર્યા હતા જેના કારણે છોકરીવાળા હુમલો કરશે તેવા ડરે મધ્યપ્રદેશના મુરૈનાથી પાંચ પિસ્તોલ અને ૫૨ કારતૂસ ખરીદ્યા હતા.

પોલીસે પૂછપરછ કરી તેમાં સંજયે કબૂલ્યું કે તેણે ખરીદેલી પિસ્તોલ અને કારતૂસ પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને ઘોડાસરમાં આવેલા આવકાર હોલ પાસેના મેદાનમાં બોરડીના ઝાડ નીચે દાટ્યા હતા. પોલીસે સંજયને સાથે રાખીને તેણે જણાવેલી જગ્યા પર જઈને તપાસ કરતા આશરે એક લાખની પાંચ પિસ્તોલ અને ૫૨૦૦ રુપિયાની કારતૂસ કબજે લીધા હતા. સંજયે મધ્યપ્રદેશના મુરૈનાના છોટુ રાજપૂત નામના શખ્સ પાસેથી ખરીદી હોવાનું કબૂલ્યું છે. આરોપીએ આ હથિયાર અને કારતૂસ પોતાના સ્વબચાવ માટે ગેરકાયદેસર રીતે ખરીદ્યા હોવાનું કબૂલ્યું હતું. જે દિશામાં પોલીસે આગળની તપાસ શરુ કરી છે. આ સાથે આરોપી સંજય સામે હથિયાર બંધી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે હવે પિસ્તોલ જ્યાંથી લાવવામાં આવી છે તે છોટુ રાજપૂત નામના શખ્સની પણ તપાસ કરી શકે છે, કે આ પહેલા આ વ્યક્તિ પાસેથી કોણ-કોણ ગુજરાતમાં પિસ્તોલ કોઈ લાવ્યું છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવી શકે છે.

(9:50 pm IST)