Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સુરતમાં ૧૧ દિવસની કોરોનાગ્રસ્ત બાળાને નવજીવન આપવા પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કરીને પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યુ

સુરત: નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 11 દિવસની બાળકીની વ્હારે આવી તેને નવજીવન આપવા પૂર્વ મેયર ડો.જગદીશ પટેલે પ્લાઝમાં ડોનેટ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાળકીનું બ્લડ ગ્રુપ મેચ થતા તેમણે તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરી માનવતા મહેકાવી છે.

ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે સુરતમાં માત્ર 11 દિવસની નવી જન્મેલી બાળકી કોરોના સંક્રમિત હોવાની સાથે તેના માતા-પિતા પણ સંક્રમિત છે. બાળકીની સારવાર માટે વ્યવસ્થાતંત્ર અને સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલના તબીબો સતત પ્રયત્નશીલ છે, એવામાં એક સાથી મિત્ર દ્વારા જાણવા મળ્યું કે 11 દિવસની બાળકીને B +ve બ્લડ ગ્રુપ પ્લાઝમાની જરૂર પડી છે. સદ્દભાગ્યે મારુ બ્લડગ્રુપ B +ve છે અને હું પણ ગત નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો. જેથી મારા પણ એન્ટિબોડી ડેવલપ થયા હશે એમ માનીને રિપોર્ટ કરાવતાં પ્લાઝમાં ડોનેટ કરવાના બધા જ પેરામિટર મેચ થતા હતા. જેથી સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમા બેન્કમાં 11 દિવસની નાનકડી બાળકી માટે પ્લાઝમા ડોનેટ કરી મદદરૂપ થયો છું. મને સંપૂર્ણ આશા છે કે બાળકી કોરોનાને હરાવી હસતી-ખેલતી અને સ્વસ્થ થઈ જશે.

ડો.પટેલે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, હાલમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે, કેસો પણ વધી રહ્યાં છે, ત્યારે કોરોનાથી સ્વસ્થ થયેલ દરેક વ્યક્તિએ અવશ્ય પ્લાઝમા ડોનેટ કરવા જોઈએ, જેથી અન્ય સંક્રમિત વ્યક્તિને બચાવવામાં સહાયરૂપ બની શકાય.

નોંધનીય છે કે, ડાયમંડ હોસ્પિટલમાં માતાની પ્રસુતિ થતાં આ બાળકીનો જન્મ થયો હતો, ત્યારબાદ કોવિડ રિપોર્ટમાં બાળકી પોઝિટિવ આવી હતી. હાલ આ નાનકડી બાળકી વેન્ટીલેટર પર છે, જેને સ્વસ્થ કરવાં રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે. પ્લાઝમા થેરાપી વડે બાળકીને સ્વસ્થ કરવાં તબીબો આશાવાદી છે.

(4:52 pm IST)