Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના ઈફેક્ટ :ગુજરાતમાં GSTની આવકને ફટકો ગયા વર્ષની સરખામણીએ 10,454 કરોડનો ઘટાડો

એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ગતવર્ષની 32.403 કરોડની તુલનાએ 22.049 કરોડનીએ આવક : 32.2 ટકાનું ગાબડું

 

અમદાવાદ:ગુજરાતમાં ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન જી.એસ.ટી.ની આવકમાં ઘટાડો થયો છે  ગત 2019/20માં જીએસટીની આવક 32,503 કરોડની થઇ હતી. તેની સામે ચાલુ નાણાંકીય વર્ષ 2020/21માં 22,049 કરોડની આવક થઇ છે ગત વર્ષની સરખામણીમાં ગુજરાતમાં 10,454 કરોડની આવક ઓછી થઇ છે. ટકાવારીની દ્રષ્ટિએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં લગભગ 32.2 ટકા ઘટાડો થયો છે. કોંગ્રેસ લીડર એસ. જોથીમણિએ ચાલુ લોકસભા સત્ર દરમિયાન કરેલા પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે સમગ્ર દેશના રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં જીએસટીની ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન થયેલી આવકના આંકડા જાહેર કર્યા હતા. તેની સાથે ગત વર્ષે થયેલી આવક તથા કેટલી આવક ઓછી થઇ છે તે અંગેના આંકડા દર્શાવ્યા છે.

 કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, એપ્રિલથી ઓગસ્ટ 2020 સુધીની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક 2.72 લાખ કરોડ થઇ છે. જયારે ગત વર્ષે સમયગાળામાં 3.90 કરોડની આવક થઇ હતી. આમ ગત વર્ષની સરખામણીએ દેશમાં 30. 4 ટકા જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, ગોવા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, મણિપુર, તામિલનાડુ વગેરે રાજયોની આવકમાં ઘટાડો નોંધાયો છે.

કોરોનાના કારણે કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે દેશનું આર્થિક તંત્ર ઠપ્પ થઇ ગયું હતું. માત્ર જરૂરિયાત સિવાયની ચીજવસ્તુનું ટર્ન ઓવર ઠપ્પ થઇ ગયું હતું. પરિણામે કેન્દ્ર સરકારે કોરોના કેસો વધતાં જતાં હોવા છતાં આર્થિક સ્થિતિ કથળતી જતી હોવાથી અનલોક જાહેર કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ત્રણેક મહિના સુધી લોકડાઉન રહેવાના કારણે દેશની નહીં બલ્કે દેશના તમામ રાજયોની હાલત કફોડી બનતી ગઇ છે. ધંધાઓ ઠપ્પ થઇ ગયા હોવાથી લોકોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા રહ્યાં છે તો અનેક કંપનીઓએ વાર્ષિક ઇન્ક્રીમેન્ટ આપ્યું નથી. ઉપરથી પગારમાં કાપ મૂકયો છે.

(11:33 pm IST)