Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

મહેસાણા દુધસાગર ડેરીમાં અશોક ચૌધરીની ચેરમેનપદે અને અમરત દેસાઇની વાઇસ ચેરમેનપદે વરણી

મહેસાણા: દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરીની ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અશોક ચૌધરીની ટર્મ 5 વર્ષની રહેશે.ચૂંટણી અધિકારી સીસી પટેલની અધ્યક્ષતામાં બોર્ડની બેઠક મળી હતી જેમાં અશોક ચૌધરીનું નામ ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યુ હતું. પ્રથમ અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે અમરત દેસાઇ જ્યારે બીજા અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે જશીબેન દેસાઇની વરણી કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે દૂધસાગર ડેરીમાં 15 વર્ષે સત્તા પલટો થયો હતો. અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો જ્યારે વિપુલ ચૌધરીની વિકાસ પેનલના માત્ર બે જ ઉમેદવારો જીતી શક્યા હતા. વાર્ષિક 5800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી દૂધ સાગર ડેરીના અશોક ચૌધરી નવા ચેરમેન બન્યા છે.

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 15 બેઠકમાંથી વિજાપુરની બે બેઠકને બાદ કરતા તમામ 13 બેઠકો પર અશોક ચૌધરી જૂથની પરિવર્તન પેનલનો વિજય થયો હતો.ચોકાવનારી વાત તો એ હતી કે ખુદ વિપુલ ચૌધરી ખેરાલુ બેઠક પર સરદાર ચૌધરી સામે 13 મતે હારી ગયા હતા.

કોણ છે અશોક ચૌધરી?

અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના વતની છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. ત્રણ બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી તે સસ્પેન્ડ થયા હતા. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી પણ તે સંભાળી ચુક્યા છે. દૂધ સાગર ડેરીમાં ગત ટર્મમાં ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે.

(5:19 pm IST)