Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મોનસૂન ટ્રફ કર્ણાટકથી ગુજરાત સુધી છવાયુઃ સ્કાયમેટ

ચોમાસુ સક્રિયઃ સૌરાષ્ટ્ર- ગુજરાતના પૂર્વ- દક્ષિણના ભાગોમાં વરસાદની વધુ સંભાવના

૨૪ કલાકમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર અને આસામમાં પણ વરસાદ પડશે

નવી દિલ્હીઃ દેશના મધ્ય અને દક્ષિણના રાજયોમાં ચોમાસુ સક્રીય બન્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર- ગુજરાતના પૂર્વ અને દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવના હોવાનું વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

દેશભરમાં ૧ જુન થી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય કરતાં ૭ ટકા વધુ વરસાદ  નોંધાયો છે. દેશના મધ્ય અને દક્ષિણના ભાગોમાં ચોમાસુ સક્રીય છે અને પૂર્વોતરના રાજયોમાં પણ વરસાદ ચાલુ છે. પરંતુ ઉત્તર અને ઉત્તર- પશ્ચિમ ભારતના વરસાદી માહોલ જોવા મળતો નથી.બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ બનેલું તેમ આગામી ૨૪ કલાકમાં આંધ્રપ્રદેશના ઉત્તરના ભાગોને પસાર કરી લેશે. છતિસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્ર ઉપર હશે. આ સિવાય સાયકલોનીક સરકયુલેશન અરબી સમુદ્રમાં બનેલું જે આગળ વધી ગુજરાત ઉપર પહોંચ્યું છે. મોનસુન ટ્રફ પણ કર્ણાટકથી ગુજરાત ઉપર છવાયેલ છે. સાથોસાથ ચોમાસુરેખા પંજાબથી હરિયાણા થઈ પૂર્વોતર ભારત સુધી પહોંચે છે. આ તમામ સિસ્ટમ્સ વચ્ચે મધ્ય ભારતમાં વરસાદની સંભાવના છે.

આગામી ૨૪ કલાક દરમ્યાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, છતિસગઢ, મહારાષ્ટ્ર, મરાઠવાડામાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. કર્ણાટક અને કેરળમાં પણ અમુક સ્થાનો ઉપર મધ્યમ વરસાદ પડી શકે છે.

સાથોસાથ ગુજરાત ઉપર પણ ચોમાસુ સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર- ગુજરાતના પૂર્વના ભાગોના દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવના છે. સુરત, વલસાડ, નવસારી, અમદાવાદ, વડોદરામાં પણ વરસાદ પડશે.

મધ્યપ્રદેશના દક્ષિણ અને પશ્ચિમના ભાગોમાં સારો વરસાદ પડશે. પૂર્વ ભાગોમાં પણ અમુક જગ્યાએ શકયતા રહેલી છે. છતિસગઢ અને ઓડિસ્સાના ઉત્તરના ભાગોમાં ચોમાસાની હલચલ ઓછી જોવા મળશે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ શકયતા નથી. જો કે પૂર્વ ઉત્તરપ્રદેશમાં વરસાદ પડી શકે છે. સિકિકમ, હિમાલયમાં પણ શકયતા છે.

(11:46 am IST)