Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દેડિયાપાડા સરકારી હોસ્પીટલમાં ગાયનેક તબીબ સહિતની તકલીફો દૂર કરવા સ્થાનિક વકીલે કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત

હોસ્પિટલમાં પડતી તકલીફ અને તાલુકાની સગર્ભા બહેનોને અંક્લેશ્વર,ભરૂચ,ઝઘડીયા રાજપીપળા સુધી ડીલેવરી માટે લઈ જવા મુદ્દે સ્થાનિક વકીલે રજુઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડાની સરકારી હોસ્પીટલ માં ગાયનેક તબીબના આભાવે સગર્ભા બહેનોને પડતી મુશ્કેલી દૂર કરવા ત્યાંના એક વકીલે મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

  દેડીયાપાડાના એડવોકેટ હિતેશભાઈ દરજી એ કરેલી લેખિત રજુઆત મુજબ દેડીયાપાડા તાલુકાની આદીવાસી પ્રજા ગરીબ અને અભણ છે.આ જિલ્લો અસ્પરીયર જીલ્લો જાહેર કરેલ છે અને દેડીયાપડા તાલુકામાં એક પણ સ્ત્રીરોગ કે હાડકાના રોગોના નિષ્ણાત હોસ્પીટલ નથી જેથી અહીંની પ્રજાને અને ખાસ કરીને સગર્ભા બહેનો કુપોષણની ભોગ બનતી આવેલ છે અને સરકાર દ્વારા ખાસ તેમની કાળજી લેવા કુપોષણ સામે લડવા વિવિધ સુવિધા આપી રહી છે પરતું છેલ્લા ૩ માસથી એક પણ સ્ત્રી રોગના નિષ્ણાતની નિમણુંક ન આપવાના કારણે સગર્ભા બહેનોના પરીવાર ચિંતિત બની ગયો છે, તેમાંયે ખાસ આ વિસ્તારના પુરૂષો રોજી રોટી માટે બહાર જતા હોય તેવામાં એકાએક ડીલેવરી સમયે પતિ હાજર ન હોય તો સારવાર અને ડીલેવરી માટે અંક્લેશ્વર, ભરૂચ, વડોદરા,ઝઘડીયા,રાજપીપળા સુધી જવું પડે છે અને સારવાર માટે બહાર જવા માટે રસ્તા પણ બિસ્માર હોય ભારે હાલાકી ભોગવવી પડે છે 

  અગાઉ દેડીયાપાડા સરકારી દવાખાનામાં સ્ત્રીરોગના તબીબ કરાર આધારીત ભરતી કરવામાં આવેલ પરંતુ કરાર નો સમયગાળો પૂર્ણ થતા પહેલા નવા કોઈ ડોક્ટરની ભરતી કરવામાં આવી નથી જેથી છેલ્લા ૪ માસથી આ હોસ્પિટલમાં સારવાર અને ડિલિવરી કરાવી શકતા નથી.

 વધુમાં દેડીયાપાડા ખાતેના સીવીલ સુપ્રીટેન્ડન્ટ એમડી એનેસ્થેટિક છે જેની નિમણુક હોય તેમની હાજરી પણ અતિ અનિવાર્ય છે.પરંતું આ સાહેબ હેડ કવાટર્સ પર હાજર રહેતા નથી તેવા પણ આક્ષેપ આ રજુઆત માં કરવામાં આવ્યા છે.સાથે સાથે દેડીયાપાડા સરકારી દવાખાનામાં બ્લડ સ્ટોરેજ ની પણ સુવિધા છે લાખો રૂપિયાના ખર્ચે મશીનરી અને વ્યવસ્થા કરવામાં આવી છે પરંતું બ્લડ ગૃપ મેચ કરવા યોગ્ય ટેકનીશયન ન મુકવાના કારણે આ મશીનરી અને વ્યવસ્થા ધુળ ખાય છે. સાથો સાથ દર્દી ઓને લોહીની જરૂર પડૅ તો બહાર ગામ જવું પડે છે માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને સુપરિટેન્ડન્ટ પણ હેડક્વાર્ટર પર હાજર રહે તેવી તાકીદ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

 

(12:46 pm IST)