Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ફેબ્રુઆરીમાં યોજાશે ચૂંટણી: 21મીએ સત્તાવાર જાહેરાત થવાની શકયતા

બે તબક્કામાં મતદાન યોજાવાની સંભાવના : કોઈપણ વોર્ડ બેઠક માટે ઓનલાઇન વોટિંગનો વિકલ્પ નહીં

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે,તેની તારીખ આગામી તા.21 જાન્યુઆરીએ સત્તાવાર જાહેરાત થશે તેમ મનાય છે.સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત આગામી 21 જાન્યુઆરીની આસપાસ થાય તેવી શક્યતાઓ છે.

 આ ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવાની શક્યતા છે જેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર- એમ 6 મહાનગરપાલિકાઓ અને બીજા તબક્કામાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે ચૂંટણીઓ થશે.
 રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વહીવટદારના મૂકી શકાય કે ટર્મ વધારો ના કરી શકાય તો શું કરવું તે બાબતે રાજ્ય સરકારે ગત નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન માગેલું ત્યારે એ હુકમમાં ત્રણ માસ ચૂંટણીઓ મુલતવી રાખવા અને ત્યાં સુધી વહીવટી વડાને વહીવટ કરવાની મંજૂરી આપવા સાથે સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરીના અંત પહેલા બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપેલો જ છે. આ સંજોગોમાં 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન બંને તબક્કામાં મતદાન યોજાવાની શક્યતા છે. રાજ્ય ચૂંટણી પંચ આ વખતે કોઈપણ વોર્ડ બેઠક માટે ઓનલાઇન વોટિંગનો વિકલ્પ આપવાનું નથી, પરંતુ ઉમેદવારોને કોરોના મહામારીની સ્થિતિમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છૂટ અપાશે એમ જાણવા મળી રહ્યું છે નોંધનીય છે કે ચુંટણીઓ ની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને ફેબ્રુઆરી માં ગમે તે તારીખે ચૂંટણી યોજાશે.

(11:06 am IST)