Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોવિડ વેક્‍સીન પર સ્‍વાસ્‍થ્‍ય કર્મચારીઓનો જ પ્રથમ અધિકારઃ ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ કરાવતા સી.એમ. રૂપાણી

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિશ્વના અત્યાર સુધીમાં સૌથી મોટા વૅક્સીનેશનની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ સૌથી મોટા અભિયાનનો આરંભ કરાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં CM રૂપાણી, DyCM નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ઉપસ્થિતિમાં વૅક્સીનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ તબક્કે CM રૂપાણીએ વૅક્સીન લેનારાને બેચ લગાવી સન્માનિત કર્યા હતા.

અહીં મુખ્યમંત્રીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની વૅક્સીનને લઈને કોઈ જ અફવામાં આવવું નહી. આ વૅક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તમામ લોકોને આપવામાં આવશે.

CM રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, કોરોના વૅક્સીન પર સૌ પ્રથમ અધિકાર સ્વાસ્થ્ય કર્મચારીઓનો છે. રાજ્યમાં કુલ 161 સ્થળો પર વૅક્સીનેશન અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં તમામ ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.

કોરોના મહામારીના કપરા કાળમાં આ હેલ્થ વર્કર્સે પોતાના જીવના જોખમે લોકોની સારવાર કરી છે. એવા અનેક ડૉક્ટર્સ અને નર્સો છે, જેમણે લોકોની સારવાર કરતાં-કરતાં પોતાના જીવ ગુમાવ્યા છે. આથી કોરોનાની વૅક્સીન પર સૌ પ્રથમ અધિકાર આવા સ્વાસ્થ્ય વર્કર્સનો છે.

(4:47 pm IST)