Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કારચાલક એકલા હોય તો પણ માસ્ક પહેરવાનું રહેશે : અમદાવાદ શહેરની વિશેષ શાખાએ કર્યો આદેશ

આરોગ્ય અને ગુહ વિભાગના હુક્મમાં વિસંગતતા

અમદાવાદ : રિક્ષાચાલક, ટેક્ષી/કેબ ડ્રાઇવર કે પછી સરકારી કે ખાનગી વાહનોના વાહન ચાલક અને મુસાફરોએ તમામ ( વાહનચાલક એક જ હોય તો પણ ) ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. જો કોઇ વાહન ચાલક તથા તેમાં મુસાફરી કરનાર મુસાફર માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક તથા મુસાફરો બંને પાસેથી નિયત કરેલ દંડની વસૂલાત કરવાની રહેશે તેવો અમદાવાદ શહેરના મદદનીશ પોલીસ કમિશનર ડી.એચ. દેસાઇએ આદેશ જારી કર્યો છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 13/8/20ના હુક્મને ટાંકવામાં આવ્યો છે.

રાજયના ગૃહ વિભાગ દ્વારા જાહેર સ્થળો, કાર્યસ્થળોએ તથા મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું હતું. ગૃહ વિભાગના હુક્મથી ફોર વ્હીલર વાહનમાં મુસાફરી દરમિયાન જો વાહન ચાલક એકલા હોય તો મુસાફરી દરમિયાન તેમને ચહેરાને માસ્ક – કપડાં કે અન્ય રીતે ઢાંકી રાખવામાંથી મુક્તિ આપી હતી. પરંતુ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રિક્ષા ચાલકો, ટેક્ષી, કેબ ડ્રાઇવર તેમ જ સરકારી અને ખાનગી વાહન ચાલક અને મુસાફરો તમામે ફરજિયાત માસ્ક પહેરવાનું તથા જો કોઇ વાહન ચાલક કે તેમાં મુસાફરી કરતાં મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહનચાલક તથા મુસાફરો બંને પાસેથી નિયત કરેલ દંડની વસૂલાત કરવાની જોગવાઇ કરી હતી.

જેથી બંને હુક્મ વચ્ચે વિસંગતતાના કારણે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થવાના બનાવો બનતાં હતા. પરિણામે આ વિસંગતતા અંગે શહેર પોલીસ કમિશનર કચેરી તરફથી રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આ બાબતે સ્પષ્ટતા કરવા વિનંતી કરી હતી. જેથી રાજયના આરોગ્ય અને પરિવાર વિભાગના 13-8-20ના હુક્મને આખરી ગણવા આદેશ કર્યો છે. આ હુક્મને ધ્યાનમાં લઇને અમદાવાદ શહેરની વિશેષ શાખાના મદદનીશ પોલીસ કમિશનર તરફથી આ આદેશો જારી કરવામાં આવ્યા છે.

(10:31 pm IST)