Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે રાજપીપળા અને તિલકવાડા ખાતે કોરોના વેકસીનનો પ્રારંભ થયો

રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ સહિત કુલ ૧૫૦ જેટલાં લાભાર્થીઓને કોવીડ-૧૯ હેઠળ આવરી લેવાયાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  પ્રવર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને વડાપ્રધાનના હસ્તે આજે કોવીડ-૧૯ વેક્શીનેશનનો ઓનલાઇન લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો જે અન્વયે ભારત સરકારની અને રાજ્યસરકારની માર્ગદર્શિકા પ્રમાણે દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પ્રથમ તબક્કામાં પ્રાયોરિટી તરીકે પ્રથમ દિવસે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૦૦ જેટલાં હેલ્થકેર વર્કરોને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય કિરણભાઇ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, જિલ્લા આરોગ્ય એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ, તબીબો, પેરામેડીકલ સ્ટાફ, આશાવર્કર બહેનો સહિત આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય કરી  રસીકરણકક્ષને રિબીન કાપીને કોવિડ-૧૯ વેક્શીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ આજે કોવીડ-૧૯ વેક્સીનેશનનો ઓનલાઇન પ્રારંભ કરાવ્યો છે. જે આપણા સહુ માટે આજનો દિવસ આનંદનો દિવસ છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી. પટેલે જણાવ્યું હતું કે,ભારત સરકાર અને રાજ્યસરકારની માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લામાં  હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ થી ઓછી વયના અને ૫૦ થી વધુ વયના અંદાજીત ૧.૨૦ લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી  લેવાયા છે જે અન્વયે આજે  નર્મદા જિલ્લામાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૦૦  અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦  સહિત કુલ ૧૫૦  જેટલાં લોકોને આજે કોવીડ-૧૯ વેક્શીન હેઠળ આવરી લેવાયાં છે.
 કોવીડ-૧૯ ની રસી લેનાર રાજપીપલાના ટેકરા ફળીયાના  પ્રથમ લાભાર્થી કિશોરભાઇ વસાવાએ પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે, કોવિડની રસી લેવાથી કોઇ જ પ્રકારની મુશ્કેલી થતી નથી તેમજ કોઇએ ગભરાવવાની જરૂર નથી તેની સાથોસાથ તેમણે કહ્યું કે, અમારી અહીં દેખભાળ પણ રાખવામાં આવે છે અને ડૉક્ટર તરફથી સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું  છે. તેવી જ રીતે બીજા લાભાર્થી ડૉ.ગીરીશભાઇ આંનદે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે, કોવીડ-૧૯ વેક્શીનથી  ગભરાવવાની જરૂર નથી આ તકે ઝડપથી કોવીડ-૧૯ ની વેક્શીન લાવવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યસરકારની સાથોસાથ વૈજ્ઞાનિકોનો આભાર તેમણે વ્યકત કર્યો હતો. તેમજ કોરોના વેક્શીન લેનાર ડૉ. મેઘાબેન જોશીએ કોરોના વેક્શીનથી કોઇ જ આડઅસર  થતી ન હોવાનું જણાવ્યું હતું.વેક્સીનેશન નાં લાભાર્થીઓને “મે કોરોના વેક્સીન લીધી છે” તેના શિલ્ડ એનાયત કર્યા હતાં.

(11:02 pm IST)