Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

દોઢ લાખની લાંચના આરોપી નાયબ ખેતી નિયામક યોગેશભાઇ અમીનના બંન્ને નિવાસસ્થાનો પર એસીબીનું સર્ચ ઓપરેશન શરૂ

ગેરકાયદે જંતુનાશક દવાના વેચાણની નોટીસ રફેદફે કરવા પ્રથમ અઢી લાખ માંગી દોઢ લાખમાં સેટલમેન્ટ કરેલ : દાહોદ બદલાયા બાદ લાંચની રકમ લેવા રજા પર ઉતરી છોટા ઉદેપુર પહોંચતા ફસાયાઃ કલાસ-ર અધિકારી સપડાતા રાજયભરના નાના-મોટા કટકીબાજોમાં ભારે ફફડાટ

રાજકોટ, તા., ૧૬: બિન અધિકૃત રીતે જંતુનાશક દવાઓનું વેચાણ કરતા વેપારીને નોટીસ આપ્યા બાદ મામલો સંકેલી લેવા માટે પ્રથમ રૂપીયા અઢી લાખ બાદ દોઢ લાખમાં સેટલમેન્ટ કરી ફરીયાદીની દુકાનેથી જ લાંચ સ્વીકારવાના આરોપસર છોટા ઉદેપુરના નાયબ ખેતી નિયામક યોગેશભાઇ અમીન એસીબીના સકંજામાં આવ્યા બાદ તેઓના બરોડા તથા છોટા ઉદેપુરના નિવાસસ્થાનો ઉપર બેનામી મિલ્કતો તથા તેના દસ્તાવેજો શોધવા માટે એસીબીનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે.

તાજેતરમાં જ છોટા ઉદેપુરથી દાહોદ બદલાયેલા અને વડોદરા શહેર તથા છોટા ઉદેપુર બંન્ને સ્થળે રહેઠાણો ધરાવતા આ અધિકારી લાંચની રકમ લેવા માટે રજા પર ઉતર્યા હોવાના આક્ષેપોની પણ તપાસ એસીબી દ્વારા ચાલી રહી છે.

અઢી લાખની માગણી બાદ રૂ.દોઢ લાખ ભારે રકઝકના અંતે નકકી થયેલ  પરંતુ  ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરતા વડોદરા એસીબીના મદદનીશ નિયામક જી.વી.પઢેરીયાના સુપરવીઝન હેઠળ વડોદરા ગ્રામ્યના એસીબી પીઆઇ જે.આર.ગામીત ટીમ દ્વારા છટકુ ગોઠવી આરોપીને લાંચ સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યા હતા. કલાસ-રના નાયબ ખેતી નિયામક લાંચના છટકામાં ઝડપાતા વિવિધ સરકારી ખાતાઓના લાંચીયા અધિકારીઓ તથા સ્ટાફમાં સન્નાટો મચી ગયો છે.

(12:18 pm IST)