Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કાલે વિજયભાઈના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ-લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજય સરકારની ભેટ : જસદણ અને જેતપુરમાં યોજાનારા કાર્યક્રમમાં લાભાર્થીઓના ગ્રુપને યોજનાકીય સહાયના ચેક અપાશે : અધિકારીઓની બેઠક

રાજકોટ તા.૧૬ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જસદણ એ.પી.એમ.સી. ખાતે અને જેતપુરમાં લેઉવા પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે સબંધિત અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમના સ્થળે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે મર્યાદિત સંખ્યામાં બેઠક વ્યવસ્થા, સેનેટાઇઝર-માસ્ક, પીવાના પાણી, નિમંત્રણ પત્રિકા સહિતની વ્યવસ્થા કરવા સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગર ખાતેથી લાઇવ સંબોધન કરવામાં આવનાર હોઇ જેને ધ્યાને લઈ તેના પ્રસારણ માટે જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, જસદણ અને જેતપુર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયેના લાભાર્થીઓના ગ્રુપને યોજનાકિય સહાયના ચેક અપાશે.

આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલે કર્યું હતું. આ બેઠકમાં ડેપ્યુટી કલેકટરશ્રી જિજ્ઞાસા ગઢવી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, ખેતીવાડી અધિકારીશ્રી આગઠ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:06 pm IST)