Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મેટલ-પ્લાસ્ટીકના ડઝનબંધ ડીસ્ટ્રીબ્યુટરો ઉપર આવકવેરાની ધોંસ

૧૫૦ કર્મચારીઓના કાફલાએ ૧૦ કંપનીઓમાં તલાસી લીધીઃ વડોદરા-સુરત-અમદાવાદ-વલસાડના ઇન્સ્પેકટરો જોડાયાઃ મોટા પાયે રોકડમાં વ્યવહાર

વાપીઃ દક્ષિણ ગુજરાતના મેટલ, પ્લાસ્ટિક, અને ભંગારના વેપારીઓને ત્યાં   આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. દોઢસો કર્મચારીઓના કાફલાએ વાપી, વલસાડ, સિલવાસા, દાદરા નગર હવેલીમાં કોર્પોરેટ કંપનીઓ સાથે ખરીદી- વેચાણ કરનારી ૧૦ કંપનીઓની ઓફિસો પર સર્વે કર્યો હતો.  આઇટીના સુત્રો કહે છે કે, ડીઆઇ વિંગ દ્વારા  વડોદરા, અમદાવાદ, સુરત અને વલસાડના આશરે ૧૨૫ ઇન્સ્પેકટર અને ૨૫ અધિકારીઓની ટીમ દ્વારા વાપી, વલસાડ, સિલવાસા, દાદરા નગર હવેલીમાં દાદરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કોર્પોરેટ કંપનીઓ સાથે ખરીદી-વેચાણ કરનારી પ્લાસ્ટિક, ભંગાર, મેટલ અને વુડની ૧૦ કંપનીઓની ઓફિસો  પર સર્વે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિભાગે તમામ  સ્થળો પરથી છેલ્લા ત્રણ વર્ષના હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન તમામ સ્થળો પર મોટા પાયે  ખરીદી-વેચાણના સોદાઓ રોકડમાં થતા હોવાનું બહાર આવ્યુ હતુ. તે ઉપરાંત કંપનીઓએ તેમના સ્ટોક પત્રકમાં ખરીદી અને વેચાણના આકડાઓમાં પણ અંતર જાણવા મળ્યુ હતું. તપાસ બાદ કરોડો રૂપિયાની ટેકસચોરી બહાર આવે તેવી શકયતા છે.

 શિવશકિત પ્લાસ્ટિક પારનેરા, હર્ષ પ્લાસ્ટિક પારનેરા, વલસાડ, મિતેષ પ્લાસ્ટિક ઉમરગામ, કોહિનૂર એન્ટરપ્રાઇઝ આમલી, સેલ્વાસા, જોહા એન્ટરપ્રાઇઝ સેલ્વાસા, બાલાજી સ્ક્રેપ વાપી, સેલ્વાસા ટ્રેડર્સ વાપી, સિલ્વાસા પેપર એજન્સી વાપી, અદનાન સ્ક્રેપ ટ્રેડર્સ વાપી, જયસ્વાલ સ્ક્રેપ ટ્રેડર્સ વાપી, વિકસ ઇન્ડ. સોલ્યુશન વાપી, યુનિક ટ્રેડર્સ ડુંગરા, વાપી અને મિરઝા ટ્રેડર્સ ડુંગરા,વાપીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

  ડીઆઇ વિંગ દ્વારા એક કંપની પાસે જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તેમાં કેટલીક કંપનીઓ દ્વારા બોગસ બિલિંગ પણ કરવામાં આવ્યા હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુછે કે કંપની દ્વારા ખોટી રીતે વેચાણના બિલો બનાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી પેમેન્ટ મેળવ્યા બાદ રોકડામાં ૭.૩ ટકા રકમ કમિશન પેટે ચૂકવવામાં આવી હતી. આ રીતે આ કંપની દ્વારા જીએસટીની પણ ચોરી કરવામા આવી હતી. કંપનીના ખરીદી-વેચાણના બુકસ અને સ્ટોકપત્રકમાં પણ મોટો તફાવત હતો.

(12:57 pm IST)