Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

અમેરિકા સ્થિત ઊંઝાના NRI પાસેથી હોમગાર્ડે 18 હજાર રોકડ અને દારૂની બે બોટલ પડાવી

ખાખી યુનિફોર્મમાં રહેલા શખ્સોએ તેઓના સનગ્લાસ, લેધર બેલ્ટ અને વાયરલેસ ઈયરપોડસ પણ ચોરી લીધા

અમદાવાદ : USA સ્થિત ઊંઝાના NRI પાસેથી એક્સપ્રેસ હાઇવે પર ખાખી યુનિફોર્મમાં રહેલા હોમગાર્ડે જવાનોએ રોકડ રૂ.18 હજારની રોકડ અને ઈંગ્લીશ દારૂની બે બોટલ પડાવી લીધી હતી. ઊંઝા પહોંચ્યા બાદ NRIના ધ્યાને આવ્યું કે, ખાખી યુનિફોર્મમાં રહેલા શખ્સોએ તેઓના સનગ્લાસ, લેધર બેલ્ટ અને વાયરલેસ ઈયરપોડસ પણ ચોરી લીધા હતા. આખરે NRIએ આ અંગે રૂબરૂ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી રજૂઆત કરી હતી.

પોલીસ કમિશનરે તેમણે આ બાબતે લેખિત અરજી DCP ઝોન 5ને આપવા જણાવી પોલીસને આ મામલે તપાસ કરવાનો હુકમ કર્યો હતો.પોલીસ તપાસમાં NRI પાસેથી એક મહિના પહેલા દારૂની બોટલ અને રોકડનો તોડ કરનાર બન્ને હોમગાર્ડે પકડાયા હતા. તેઓ વિરુદ્ધ રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આંખની હોસ્પિટલ સામે ધરતી સોસાયટીમાં રહેતાં સ્નેહલભાઈ જશુભાઈ પટેલ (ઉં.43) માર્ડ જેટકો હોફેમન એસ્ટટ ઈલેનોઈલ USA ખાતે રહે છે. સ્નેહલભાઈ અવારનવાર તેમના સ્વજનોને મળવા માટે ઊંઝા ખાતે આવતા રહે છે

સ્નેહલભાઈ ગત ડિસેમ્બર મહિનામાં USAથી ફલાઈટમાં મુંબઈ આવ્યા અને વિલે પાર્લએ ઈસ્ટ ખાતે હોમ કોરન્ટાઈન થયા હતા. ગત તા 10-12-2020ના રોજ સ્નેહલભાઈ તેમના સાળા પ્રતિક પરીખની કાર લઈ મુંબઈથી સવારે 5.30 વાગ્યે ઊંઝા આવવા નીકળ્યા હતા.

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર તેઓ બપોરે 3.15 વાગ્યે પહોંચ્યા તે સમયે ખાખી કપડામાં રહેલા બે શખ્સે તેમની કાર રોકી ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા તેઓએ આપ્યું હતું. બન્ને શખ્સે સ્નેહલભાઈને સાઈડમાં ઉભા રહેવા જણાવી કારની તપાસ શરૂ કરી હતી. સનહેલભાઈએ તેઓને ડ્યૂટી ફ્રી શોપમાંથી કાયદેસર ખરીદેલી દારૂની બોટલ બેગમાં હોવાનું સામે ચાલીને કહ્યું હતું. ખાખી કપડામાં રહેલા શખ્સોએ ગાડી જમા લેવી પડશે. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે કેસ થશે. તેવી વાતો કરી સ્નેહલભાઈને ડરાવી દીધા હતા.

સ્નેહલભાઈને બન્નેએ પતાવટ કરવી પડશે તેમ કહી ડરાવી દારૂની બે બોટલ, રોકડ રૂ.18 હજારની રકમ પડાવી અને કહ્યું કે, જતા રહો સાહેબની ગાડી આવશે. આથી સ્નેહલભાઈ કાર લઈને નીકળી ગયા હતા. ઊંઝા પહોંચ્યા બાદ બે-ત્રણ દિવસ પછી તેઓને ધ્યાને આવ્યું કે, કારમાં મૂકેલા સનગ્લાસ, વાયરલેસ ઈયરપોડસ અને લેધર બેલ્ટની પણ ખાખી યુનિફોર્મમાં રહેલા પોલીસ જેવા લાગતા શખ્સોએ ચોરી કરી લીધી છે.

સ્નેહલભાઈએ બનાવને પગલે ગત તા.14-12-20 20ના રોજ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. સમગ્ર મામલો જાણી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે DCP ઝોન 5 અચલ ત્યાગી સાથે વાતચીત કરી તેમજ સ્નેહલભાઈને DCPને લેખિત અરજી આપવા જણાવ્યું હતું.

આ અંગે તપાસ કરી DCP ઝોન 5 ઓફિસના સ્ટાફે સ્નેહલભાઈને ફોટો બતાવતા તેઓએ પૈસા પડાવનાર બન્ને આરોપીને ઓળખી લીધા હતાં. પોલીસ તપાસમાં સ્નેહલ પટેલ પાસેથી રોકડ, દારૂની બે બોટલ સહિતની ચીજવસ્તુ પડાવનાર આરોપીઓ હોમગાર્ડ જવાન રવિ દુરાઈસ્વામી ગ્રામીણ અને સુરેશ બાબુરાવ જાદવ (બન્ને રહે, ભગવનદાસની ચાલી, ભાઈપુરા) ના હોવાનું ખુલ્યું હતું. રામોલ પોલીસે બન્ને હોમગાર્ડ જવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:08 am IST)