Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ રતિલાલ ભાઈ પટેલ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો : કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવેલ નથી

વલસાડ : વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા એક પોલીસકર્મીએ પોતાના ઘરમાં જ આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લાના પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરનાર એએસઆઈ પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ ન મળતા આત્મહત્યાનું રહસ્ય વધુ ઘેરાયું છે.

વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ રતિલાલ ભાઈ પટેલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. બનાવની મળતી વિગત પ્રમાણે, એસઆઈ રતિલાલ પટેલ કેટલાક સમયથી ભીલાડ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમને સોંપવામાં આવેલી નાસતા ફરતા આરોપીઓની યાદીની કામગીરી કરતા હતા. ત્યારે તેઓને આ વિશે માહિતી મેળવવા પોલીસ સ્ટેશનમાંથી વારંવાર સંપર્ક કરાયો હતો. પરંતુ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર ન થતા તેમને ફોન કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ અનેક વખત સંપર્ક કરવાના પ્રયાસ બાદ પણ તેમની સાથે વાત ન થઈ શકતા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા પોલીસલાઇનમાં અન્ય પોલીસ કર્મચારી પહોંચ્યા હતા. તેમના સરકારી ક્વાર્ટરમાં તપાસ કરતા તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. વારંવાર ખખડાવવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. આથી ભીલાડ પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ કર્મીઓએ ત્યાં પહોંચીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો અંદરથી નહીં ખૂલતાં દરવાજો તોડી અંદર તપાસ કરતા એસઆઈ રતિલાલ પટેલ બેહોશ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમની પાસે જ ઝેરી દવાની બોટલ પડેલી મળી આવી હતી.

આમ સ્થિતિ પારખીને પોલીસે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. તાત્કાલિક 108 ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. પરંતુ 108 ની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. આથી ભીલાડ પોલીસે આ મામલે હવે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાત કરવાનું કારણ જાણી શકાયું નથી. તેમજ તેમના મૃતદેહ નજીકથી કોઇ સ્યૂસાઇડ નોટ પણ મળી આવી નથી.

રતિલાલ પટેલે કયા કારણોસર ઝેરી દવા પીને જીવનના અંતનો આણ્યો તે હજી સુધી જાણી શકાયું નથી. આથી તેમના આપઘાતનું રહસ્ય ઘેરાયું છે. જો કે પરિસ્થિતિને ગંભીરતા જોતા પોલીસ વિભાગે આ મામલાને સંવેદનશીલતાથી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અત્યારે તો એએસઆઈના આપઘાતની પાછળ કોઇ ફરજ પર કામનું ભારણ છે કે દબાણ કે ફરજની અન્ય કોઈ બાબતોને લઈને આપઘાત કર્યો છે. કે કોઈ પારિવારિક કારણે આપઘાત કર્યો છે તેવા વિવિધ સવાલો અત્યારે ઉભા થઇ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં મૃતકના પરિવારજનોના નિવેદન લઇ તેમની પૂછપરછ બાદ જ ખ્યાલ આવશે કે આપઘાત કરવા પાછળનું કારણ શું હોઈ શકે.

(3:12 pm IST)