Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

છોટાઉદેપુરમાં 2 આશા વર્કર બહેનોએ વેક્સીન લીધા બાદ ગભરામણ અને ચક્કર આવ્યા: બંન્‍ને બહેનોને રિએક્શન આવ્યું હોવાનું જાણવા મળે છે

અમદાવાદ : રાજ્યભરના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકોઓના 161 વેક્સીનેશન સેન્ટર પર કોરોના વેક્સીન અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત ગઈકાલે સાંજે 6 કલાક સુધીમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આજે પણ આ કામગીરી ચાલુ રહેશે. ગઈકાલે રાજ્યભરમાં આપવામાં આવેલ રસીથી એકપણ કોરોના વોરિયર્સને રસી ની કોઇ આડ અસર જોવા મળી નથી. પરંતુ આજે બે આશાવર્કરોને રિએક્શન આવ્યું હોવાનું સામે આવ્યું છે.

 છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે વેક્સીનેશનનો પ્રારંભ કરાયો હતો. જેમાં બે આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું હતું. એક પાવીજેતપુરની મહિલા અને બીજી બોડેલીની મહિલાની તબિયત બગડી હતી. પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ પીએચસી ખાતે વેક્સિન લીધા બાદ એક આશાવર્કર બહેનને રિએક્શન આવતા ગભરામણ બાદ ચક્કર આવ્યા હતા અને બોડેલી તાલુકાના સુર્યાઘોડા સેન્ટરમાં એક આશા વર્કર બહેનને પેટમાં દુખાવો અને ચક્કર આવતા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે બંનેને સારવાર મળતા તેઓની તબિયત સુધારા પર આવી હતી. તેઓને હાલ રજા આપી દેવામાં આવી છે.

ગઈકાલે બપોરે દોઢ વાગ્યાની આસપાસ બંનેએ વેક્સીન લીધી હતી. જેના બાદ તેઓને ગભરામણ અને ચક્કર આવ્યા હતા. તેઓને તાત્કાલિક બોટલ ચઢાવવામાં આવ્યા હતા. સાથે જે તેને પેટમાં દુખાવો પણ ઉપડ્યો હતો. 

ગઈકાલથી રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વેકસીન આપવાની શરૂઆત કરાઈ હતી. બોડેલીના સૂર્યાઘોડા ખાતે રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારની અશયક્ષતામાં વેક્સીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ચાર કેન્દ્ર ઉપર 300 હેલ્થ વર્કર્સને વેક્સીન આપવાની શરૂઆત કરાઈ હતી. બોડેલી તાલુકાના સૂર્યાઘોડા, પાવીજેતપુર તાલુકાના સુસકાલ, કવાંટ તાલુકાના સૈડીવાસણમાં રસીકરણ શરૂ કરાયું છે. તો છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ખાતે રસીકરણ શરૂ કરાયું છે.

રસી મૂકાવ્યા બાદ ઇન્જેક્શનની જગ્યાએ સામાન્ય દુખાવો થવો, ઉબકા આવવા, ઠંડી લાગવી, સામાન્ય તાવ આવવો, સામાન્ય નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો વગેરે જેવા લક્ષણો સામાન્ય છે, જો આમાંથી કઈ પણ જણાય તો ગભરાવવાની જરાય જરૂર નથી. એના માટે પેરસિટામોલ અને એવિલ ટેબ્લેટ લઈ શકાય. સાથે જ વેક્સીન અંગેની તથા તેની આડઅસરને લગતી કોઈ પણ અફવાઓ કે ડરામણી વાતોથી દૂર જ રહેવું.

(4:36 pm IST)