Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સુરતમાં જમીન મામલે પાટીદાર આગેવાને કરેલી આત્‍મહત્‍યા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ : હત્‍યા બાદ રાજસ્‍થાન નાસી ગયેલ બંને આરોપી સુરત આવવાની બાતમી મળતા જ અંકલેશ્વર પાસેથી દબોચી લેવાયા

સુરત રેન્‍જ આઇ જી એસ. પાડિયન રાજકુમારના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપી રહી છે

સુરતઃ સુરતના પાટીદાર આગેવાન અને કવોરીનું કામકાજ કરતા દુર્લભભાઇ ગાંડાભાઇ પટેલની આત્‍મહત્‍યાના મામલામાં સુરત પોલીસે આજે વધુ બે આરોપી રાજુ ભરવાડ અને ભાવેશ  સવસાણીની ધરપકડ કરી સફળતા મેળવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રકરણમાં રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિત અન્‍ય પોલીસ કર્મચારીઓ મળીને કુલ ૧૧ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ભાવેશ ઉપર આરોપ છે કે તે પીઆઇ લક્ષ્મણ બોડાણાની ચેમ્બરમાં આવીને તાત્કાલિક નોટરી કરાવવા રાત્રે જ દુર્લભભાઇને પોલીસ મથકની લઇ ગયો હતો. કતારગામ વિસ્તારમાં રહેતો ભાવેશ સવાણી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને કોસિયા સાથે ભાગીદારીમાં જમીનનો ધંધો કરતો હતો. જ્યારે કામરેજના લસકાણનો રાજુ લાખા ભરવાડ વર્ષોથી કાચી જમીન ખરીદ વેચાણના ‌વ્યવસાય સાથે સંકળાયેલો છે. કામરેજ ચાર રસ્તા પાસે એક હોટલ પણ ધરાવે છે. એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે કે રાજુ ભરવાડ અને હેતલ નટવરલાલ દેસાઇને પોલીસ મથકમાં જ ધાકધમકી આપી જમીનના લખાણની નોટરી કરાવી દીધી હતી. જ્યારે તૈયાર કરેલા સાટાખત લઇને દુર્લભભાઇના ઘરે જઇ સહિ કરાવી લીધી હતી.

સુરતના પીસાદની જમીનનો વિવાદ

સુરતના પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન મુદ્દે વિવાદ થયો હતો જેમાં પોલીસ અને અન્ય લોકો દ્વારા સતત દબાણ કરાતાં દુર્લભ પટેલે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

નોંધનીય છે કે જમીનની અવેજની રકમ રૂ.24,03,88,687/- નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા રૂ.18,00,00,00/- દુર્લભભાઈને મળ્યા હતા સાથે જ રૂ. 3,09,30,584/-ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા. જોકે દરમિયાન સ્ટાર ગ્રુપના કિશોર કોસિયાને ઇન્કમટેક્સની કાર્યવાહી થઈ હતી, જે તપાસના ભાગ રૂપે દુર્લભભાઈને ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ કરાયું હતું. ઇન્કમટેક્સની તપાસમાં દુર્લભભાઈના માથે13 કરોડથી વધારેની રકમની જવાબદારી પર ઉભી થઈ હતી. જોકે કિશોરભાઇએ આ રકમ આપવાનું આશ્વાન દુર્લભભાઈને આપ્યું હતું.

કોની કોની સામે ફરિયાદ

લક્ષ્મણસિંહ બોડાણા (PI),
કિરણસિંહ (રાઈટર),
રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
હેતલ દેસાઈ (વેસુ),
ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
કનૈયાલાલ નરોલા (કતારગામ),
કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
વિજય શિંદે,
મુકેશ કુલકર્ણી,
અજય બોપાલા,
રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ

જાન્યુઆરીમાં Durlabh Bhai Patelને બળપૂર્વક પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા

જેમાં ઇન્કમટેક્સ પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત જાન્યુઆરી 2020માં રાંદેર પોલીસ સ્ટેશનથી દુર્લભભાઈને બોલાવવા કેટલાક પોલીસકર્મીઓ આવ્યા હતા, જોકે રાત્રે અવવાને બદલે દુર્લભભાઈએ સવારે આવવાનું કહ્યું હતું, પરતું પોલીસકર્મીઓએ  દબાણપૂર્વક કહ્યું હતું કે રાંદેર પી.આઈ. લક્ષ્મણ બોડાણા અત્યારે જ તમને મળવા માંગે છે, એટલે અમારી સાથે આવવું જ પડશે. જેથી દુર્લભભાઈ અને તેમનો દીકરો કિશોર રાંદેર પોલીસ સ્ટેશન ગયા હતાં.

પોલીસ મથકમાં પહેલેથી જ રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પી.આઈ ની ચેમ્બરમાં હાજર હતાં. પીઆઈ અને અન્ય હાજર લોકોએ અપમાન ભર્યા શબ્દો કહી જમીનની તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરાવવાનું દબાણ કર્યું હતું. જેને પગલે રાત્રે જ લખાણ કરાવાયું હતું.

દુર્લભભાઈ પાસે લખાણ કરાવી દીધા બાદ વધુ દબાણ યથાવત રહ્યું હતું. તેમના ઘરે જુદા જુદા વ્યક્તિઓ તૈયાર સાટાખત સાથે આવતાં હતાં, દસ્તાવેજો પર સહી કરાવી જતાં હતાં. આવી તેનાં પર સહી કરાવવા સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તથા હેતલભાઇ દેસાઇ તથા વિજયભાઇ સિંદે તથા મુકેશ કુલકર્ણી દુર્લભભાઈના ઘરે આવ્યા હતા.

જમીનનો કબજા સહિત તૈયાર સાટાખત તેમની સાથે લઇ આવી દુર્લભભાઈ અને તેમના દિકરાની સહી કરાવી હતી. આમ સતત દુર્લભભાઈને હેરાન કરવામાં આવી રહ્યા હતાં, જેથી તેમને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

અન્ય આરોપીની ભૂમિકાની તપાસ

પોલીસ અન્ય આરોપીઓની ભૂમિકા તપાસી રહી છે. આ કેસમાં સુરત શહેર પોલીસના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,

રેન્જ આઈજી પંડિયાને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ કેસમાં પીઆઈએ કાયદાથી ઉપરવટ જઈ કામગીરી કરી છે, ખાસ કરીને મોડી રાત્રે સિનિયર સીટીઝનને પોલીસ મથકે બોલાવી શકાય નહીં, તેમ છતાં તેઓએ દુર્લભભાઈને બોલાવ્યા હતાં, સાથે જ કેટલાક આરોપીઓએ પીઆઈની સામે જ દુર્લભભાઈને ધમકી આપી હતી. આ કેસમાં કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેને તપાસવામાં આવી રહ્યા છે, સાથે જ તેમને ઉમેર્યું હતું કે આ કેસમાં જોઈ સાચેજ કોઈ નિર્દોષ હશે તો તેને જરૂરથી રક્ષણ અપાશે પરંતુ જે દોષિત હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

(8:59 am IST)