Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

હડતાલનો ૮ મો દિવસઃ આરોગ્ય કેન્દ્રોની સેવા પર માઠી અસર

આરોગ્ય કર્મચારીઓનો વધુ સંઘર્ષ કે સમાધાન? સાંજ સુધીમાં ફેંસલોઃ સરકાર આકરા પાણીએ

એપેડેમીક ડીસીઝ એકટ હેઠળ વોરંટ, ધરપકડ, સસ્પેશન સહીતના પગલાની જોગવાઇઃ જિલ્લાવાર અહેવાલ મંગાવતી સરકાર

રાજકોટ તા. ૧૯ :.. રાજયની જિલ્લા પંચાયતો હેઠળના આરોગ્ય કેન્દ્રોના ૬ કેડરના કર્મચારીઓની હડતાલનો આજે ૮ મો દિવસ છે. સરકારે કર્મચારીઓને ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. હાજર ન થાય તો એપેડેમિક એકટ હેઠળ કડક પગલા ભરવાનો આદેશ આપ્યો છે. જેમાં વોરંટ સસ્પેન્શન વગેરેનો તાકીદની બેઠક ગાંધીનગર બોલાવવામાં આવી છે. જેમાં સંઘર્ષ કે  સમાાધાન ? તે બાબતે સાંજ સુધીમાં નિર્ણય થઇ જશે.

રાજયના ૧પ૦૦ આરોગ્ય કેન્દ્રોના ૩૦ હજારથી વધુ કર્મચારીઓ પે ગ્રેડ સહિતની માગણીઓ અંગે હડતાલ પર છે. સરકારે મંત્રણા માટે બોલાવ્યા નથી. કોરોના રસીકરણની કામગીરી ચાલી રહી હોવાથી આરોગ્ય કર્મચારીઓ ફરજ પર હાજર ન થાય તો આકરા પગલા ભરવા સરકારે દરેક કલેકટરને આદેશ આપ્યો છે. રાજકોટના અનિલકુમાર રાણાવાસિયા, સહિત તમામ જિલ્લા વિકાસ અધિકારીઓએ સરકારના આદેશ અંગે સબંધિત આરોગ્ય કર્મચારીઓને જાણ કરી દીધી છે. આરોગ્ય સેવા કથળતી રોકવા સરકાર આક્રમક મિજાજમાં છે. હડતાલ ચાલુ રાખવી કે સંકેલો કરી લેવો ? તે બાબતે કર્મચારી મહાસંઘમાં એકથી વધુ મત પ્રવર્તે છે. આ લખાય છે ત્યારે ગાંધીનગરમાં મહાસંઘની બેઠક ચાલુ છે. હડતાલ સ્થગિત કરવી, પૂરી કરવી અથવા, ઉગ્ર કરવા સહિતના વિકલ્પો પર ચર્ચા ચાલુ છે. મહાસંઘના વર્તુળો કોઇ વ્યાજબી રસ્તો નીકળવા માટે આશાવાદી છે.

(4:13 pm IST)