Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમદાવાદમાં ભાજપની 23 કિ.મી. લાંબી રેલી : સ્કૂટરો તથા કારના કાફલા સાથે લોકો જોડાયા

રેલી નહીં પણ રેલો છે તે જોઇને વિપક્ષ ચૂંટણીના પરિણામ પહેલાં હાર માની લેશે : પાટીલ

અમદાવાદ : આગામી તા.21મી ફ્રેબુઆરીના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગરમાં ચૂંટણી યોજાવાની છે. નિયમ મુજબ 48 કલાક પહેલાં એટલે કે 19મી ફ્રેબુઆરીના રોજ સાંજે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. હવે રાત્રિ બેઠકો તથા ગ્રુપ મીટીંગો તેમ જ ડોર ટુ ડોર પ્રચાર કાર્યનો દોર હાથ ધરાશે. આજે અમદાવાદ શહેરમાં ભાજપ દ્રારા 23 કિ.મી. લાંબી રેલી નીકળી હતી. જનસંપર્ક અભિયાનને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી ભાજપ 175થી વધુ બેઠકો જીતી જશે તેવો વિશ્વાસ હોવાનો દાવો ભાજપ તરફથી કરાઇ રહ્યો છે.

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચુંટણીની 23મી જાન્યુઆરીએ જાહેરાત થઇ હતી. ત્યારબાદ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોના નામોની યાદી જાહેર થયા બાદ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. આ પ્રચાર દરમિયાન વિવિધ સંમેલનો, રેલી તેમ જ ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો હતો. આજે સવારે ભાજપ તરફથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં જી વોર્ડ કુબેરનગરથી વંદે માતરમ, અને ભારત માતાના જયઘોષ સાથે જનસંપર્ક અભિયાન યાત્રાનો પ્રારંભ થયો હતો. કામનાથ મહાદેવ ખાતે આ યાત્રા સંપન્ન થવા પામી હતી. 23 કિલોમીટર લાંબો આ મહાજનસંપર્ક અભિયાનમાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. ડીજેના તાલે એક હજારથી વધુ બાઇક તેમ જ અસંખ્ય કારના કાફલા સાથે કાર્યકરો જોડાયા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના રથની આગળ ઘોડેસવાર તેમ જ હાથીની સવારી સાથે કાર્યકરો નીકળ્યા હતા. 30થી વધુ સ્થળોએ સમાજના વિવિધ સમાજના આગેવાનો તેમ જ વિવિધ સંસ્થાઓ દ્રારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું ફૂલહાર પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. તેમ જ કર્ણાવતી મહાનગર દ્રારા વિવિધ ટેબ્લો તેમ જ એલઇડી રથના માધ્યમથી ચૂંટણીના પ્રચાર- પ્રસાર કરવામાં આવ્યો હતો.

 આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ રેલી નહીં પણ રેલો છે. તે જોઇને વિપક્ષ ચૂંટણીના પરિણામની પહેલાં હાર માની લેશે. જે રીતે કાર્યકરો સંકલ્પબધ્ધ થઇને કાર્ય કરી રહ્યાં છે તે ઉપરથી એક વાત ચોક્કસ છે કે, આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થશે અને કોંગ્રેસ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવાતિયાં મારશે. આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 175 પ્લસના મિશન સાથે કાર્યકરો સંકલ્પબધ્ધ છે. ફરી એકવાર પ્રજાના આર્શીવાદ ભાજપને મળશે તેવો દ્દઢ આત્મવિશ્વાસ તેમ જ વ્યક્ત કર્યો હતો.

આ જનસંપર્ક અભિયાનમાં મંત્રી કૌશિકભાઇ પટેલ, રાજય મંત્રી પ્રદિપસીંહ જાડેજા, મહાનગર પ્રભારી આઇ.કે. જાડેજા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ તેમ જ પ્રદેશ મહામંત્રી પ્રદિપસીંહ વાઘેલા સહિત સાંસદો, ધારાસભ્યો તેમ જ પ્રદેશ આગેવાનો જોડાયા હતા

(6:54 pm IST)