Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વેપારની રીત બદલાઇ : હવે પેમેન્ટ એડવાન્સ, રિટર્ન કોઇ સંજોગોમાં નહીં

વેપારી પેઢીએ દુકાન બહાર મૂકેલી સુચના ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બની : તમામને ચુકવણું ૩૦ થી ૩૫ દિવસમાં કરવા માટે પણ વેપારીઓની અપીલ

સુરત,તા. ૧૯: કોરોનાના કારણે બદલાયેલી સ્થિતિમાં વેપારીઓ દ્વારા પણ વેપારમાં ધારાધોરણે બદલવામાં આવી રહ્યા છે. ઉપરાંત વેપારી પેઢીઓની જરૂરી સૂચના આપવામાં આવી રહી છે. એક વેપારી પેઢીએ તેમની પાર્ટીઓને જરૂરિયાત મુજબ જ ઓર્ડર લખાવવા તથા રિટર્ન ગુડઝ નહિ મોકલવા માટે મૂકેલી સૂચના સમગ્ર કાપડઉદ્યોગમાં ચર્ચાનો વિષય બની છે.

કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓના વોટ્સએપ ગૂપમાં શહેરના એક કાપડ વેપારી પેઢી દ્વારા મૂકવામાં આવેલી સૂચનાનો ફોટો વાઈરલ થયો છે. જે સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, 'કોરોના કારણે મોટી સંખ્યામાં કારીગરો વતન જતા રહ્યા છે, જેને કારણે કારીગરોની સંખ્યા ઓછી છે. આ સંજોગોમાં મે કાપડ ફિનિશ્ડ ફેબ્રિકસનું ઉત્પાદન ઓછું છે. બીજીતરફ સૌ કોઇ રોકડેથી પેમેન્ટ ડિમાન્ડ કરી રહ્યા છે. આ સંજોગોમાં તમામને વિનંતી છે કે, જરૂર પૂરતો જ ઓર્ડર લખાવે, જીઆર મોકલે નહિ તથા પેમેન્ટ ૩૦થી ૩પ દિવસમાં કરે.'

આ વાઈરલ થયેલી સૂચના સાથે મોટાભાગના વેપારીઓ સંમત જણાય રહ્યા છે. ફોસ્ટાના પ્રવકતા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, આ સૂચના કઇ માર્કેટના કયા વેપારીએ મૂકી છે તે અંગે જાણકારી નથી પરંતુ, વેપારી દ્વારા મૂકાયેલી સૂચનામાં વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, કોરોનાની મહામારી બાદ શરૂ થયેલા વેપારના ધારાધોરણમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યો છે. કારણ કે, પહેલાં ૬૦થી ૯૦ દિવસે વેપારનો ધારો હતો.

જયારે હાલમાં ગ્રેનો માલ પણ રોકડેથી જ ખરીદવાની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે સાડી, ડ્રેસ મટીરિયલ સહિતનો કાપડ લેનારા વેપારીઓને ઓર્ડર બુક કરાવ્યાના એક મહિનામાં જ નાણાંની ચૂકવણી કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ ટેક્ષ્ટાઈલ માર્કેટની અનેક દુકાનો પર આ પ્રકારના પેમ્ફલેટ પણ લગાડીને વેપારીઓને જણાવવામાં આવી રહ્યું છે.

(12:50 pm IST)