Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પાર્ટી પ્લોટ, શેરી ગરબા ખેલૈયા વગર સૂનાં: ધાબા-આંગણામાં ગરબાની રમઝટ

આખી રાત ગરબાના સૂર વહેતા હતા ત્યાં નીરવ શાંતિઃ કોરોનાના કારણે ઝાકઝમાળની જગ્યાએ નવરાત્રિના તહેવારમાં સર્વત્ર સૂનકારઃ પોલીસે પણ કડકાઇના બદલે સમજાવટથી કામ લીધું: લોકોએ ગરબે ઘૂમવાનું ટાળ્યું

અમદાવાદ, તા.૧૯: આ વર્ષે કોરોનાના કારણે સદંતર નિરસ નવરાત્રિ અને તે પણ ગરબા વગર શરૂ થઈ છે. ખેલૈયાઓ, ઝાકઝમાળભર્યા લાઈટીંગ અને કર્ણપ્રિય ગરબાના તાલ પર ઝુમતા હોય તેના બદલે સર્વત્ર સુનકાર વ્યાપી ગયો છે. ગઈકાલે બીજું નોરતું હોવા છતાં પણ કયાંય ગરબા ગવાયા નહોતા. લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

જો કે કોરોના કરતા પણ પોલીસના ભયે લોકોએ પ્રથમ નોરતું હોવા છતાં પણ માતાજીની આરતી પણ માંડ માંડ કરી હતી. ગરબા તો કયાંય ગવાયા જ નહોતા. પાર્ટી પ્લોટ, હોલ અને ખુલ્લા મેદાનો સુના સુના પડયા હતા. અલબત્ત પોલીસને પણ ઉપરથી સૂચના મળી હોય તેમ પ્રથમ દિવસ હોવાના કારણે એટલી બધી કડકાઈ દાખવી નહોતી. જયાં નિયમભંગ થતો હતો ત્યાં સમજાવટથી કામ લીધું હતું.

ગરબાના શોખીનોએ પોતાના ઘરમાં, આંગણામાં કે ધાબા પર ગરબે રમીને શોખ પુરો કર્યો હતો. હોમ થિયેટર કે બ્લુ ટૂથ સ્પીકર પર યુવક-યુવતીઓએ ગરબે ઘૂમવાની મજા માણી લીધી હતી. વધુ લોકો ભેગા થઈને રમે તો કોરોનાનું સંક્રમણ ફેલાવાનો સૌથી વધુ ભય રહે છે. તે લોકો પણ સમજી ચૂકયા છે.

ગુજરાતીઓ માટે નવરાત્રિ સૌથી ખાસ તહેવાર છે. નવરાત્રિના એક મહિના પહેલાં જ ખેલૈયાઓ તેમજ સંચાલકો ગરબા, આરતી સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે.

જોકે ગુજરાતીઓએ ગરબા પર પ્રતિબંધનો પણ તોડ કાઢી લીધો છે. આ વર્ષે ગ્રાઉન્ડમાં ગરબા નહીં રમાય તો લોકોએ ઘરને જ ગ્રાઉન્ડ બનાવીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. પોતાના પરિવાર સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ખેલૈયાઓ માતાજીની આરતી કર્યા બાદ ગરબે ઘૂમ્યા હતા.

નવરાત્રિ સાથે લોકોની જોડાયેલી ભાવનાને જોતાં આરતી સાથે થતાં પાંચ ગરબા અને ઘરમાં કે બંગલામાં પરિવારના ૧૫-૨૦ વ્યકિતના ગરબા પ્રત્યે કોઈ કાર્યવાહી નહીં કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવી હતી. જેના પગલે નવરાત્રિના આજે બીજા દિવસે લોકો સોસાયટી તથા મહોલ્લામાં ગરબે ઘૂમ્યા હતા. લોકો ગરબા ઘૂમ્યા બાદ નાસ્તા કરવા માટે બહાર નીકળી પડયા હતા. મોડી રાત્ર સુધી લોકોની અવર-જવર જોતા કોરોનાની મહામારી હવે શહેરીજનોમાં નહીં હોવાનું લાગતું હતું.

એએમસીની જેટ ટીમને નવરાત્રિમાં સાંજે ૭ થી રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઝોન તથા વોર્ડ સંબંધિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સંકલનમાં રહીને કોવિડ-૧૯માં સૂચવવામાં આવેલી કામગીરી કરવાની તાકીદ કરાઈ છે.

(10:53 am IST)