Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મહાન વિચારકોનો સરવાળો એટલે પૂ. પાંડુરંગ શાસ્ત્રી

તેમના જન્મ દિવસની આજે સ્વાધ્યાય પરિવાર અને સમગ્ર વિશ્વમાં 'મનુષ્ય ગૌરવદિન' તરીકે થઇ રહેલ ઉજવણી

વિક્રમ સવંત ૧૯૭૬, આસો સુદ સાતમ તારીખ ૧૯-૧૦-૨૦૨૦ ના પવિત્ર દિવસે અને આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં ભારત દેશની ભૂમિમાં મહારાષ્ટ્રના રોહા ગામે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપવા એક દિવ્ય અને તેજસ્વી મહામાનવ રૂપે પરમ પૂજય દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મ થયો હતો.

આદ્યશકિતના પૂજનના દિવસોમાં એક વિશિષ્ટ ભાવ-પૂજનનો દિવસ એટલે 'મનુષ્ય ગૌરવદિન'! પૂજય દાદાનો જન્મ દિવસ સમગ્ર સ્વાધ્યાય પરિવાર અને વિશ્વ માટે વિશ્વનિયંતાનું નવલું નજરાણું મનાય છે. પૂજય દાદાનો જન્મ દિવસ અને સાથે જ તત્વજ્ઞાન વિદ્યાપીઠનો જન્મ દિવસ! અયાચકતાનો જન્મ દિવસ!  કૃતિભકિતનો જન્મ દિવસ! પરિવારભાવનાનો જન્મ દિવસ! વૈકલ્પિક સમાજનો જન્મ દિવસ! પૂજય દાદાનો જન્મ એ પાંચ-પાંચ પેઢીઓની તપશ્ચર્યાનો પરિપાક છે.

    માનવ વંશને આધ્યાત્મિક રીતે મજબૂત કરવા ઘણા વિચારકો અને તત્વચિંતકોએ તેમના જીવનો ખર્ચી નાખ્યા છે. દા. ત.  સોક્રેટીસે વિચારનો, કુમારિલ ભટ્ટે સંસ્કૃતિ માટે આત્મબલિદાનનો,  તથા આદ્ય શંકરાચાર્યએ વૈદિક વિચારધારાના પ્રસારનો આધાર લીધેલો દેખાય છે. આવા બધા વિચારકોનો સરવાળો એટલે પૂજય દાદા. ઉપરોકત બધી વિચારધારાઓનો સમન્વય સાધી સામાન્ય જનસમૂહમાં તેને પૂજય દાદાએ પ્રસ્થાપિત કરી છે.

પૂજય દાદાનું જીવન એટલે સાક્ષાત માઁ સરસ્વતીનો આવિષ્કાર. તેથી જ સારસ્વત પૂજય દાદા આસો સુદ સાતમ- સરસ્વતી પૂજન દિને જન્મ્યા. જેમના માટે એક શબ્દમાં દ્યણું કહી શકાય અને જેના વ્યકિતમત્વનું હજારો શબ્દોમાં પણ વર્ણન ન કરી શકાય તેવા પૂજય દાદા અસામાન્ય છતાં સામાન્ય છે.

    પૂજય દાદાએ સ્વાધ્યાય કાર્યથી સમગ્ર વિશ્વમાં સ્વાધ્યાય વિચારથી વિચારક્રાંતિ કરી અને કરોડો વ્યકિત તથા અનેક સમાજોમાં પરિવર્તનો લાવી તેમને દૈવી જીવનમાં પરિણત કર્યા છે. આ પરિવર્તનના મૂળમાં પહેલો વિચાર છે 'મનુષ્ય ગૌરવ'! સામાન્ય માનવ પાસે નથી કોઈ પદ, કે નથી તેની પાસે કોઈ માલિકી તેમ છતાં તેમનામાં આત્મવિશ્વાસ તથા પ્રતિકાર શકિત છે. તેનું કારણ છે આત્મ ગૌરવ. માનવમાત્ર માટે આ દ્રષ્ટિ મનુષ્ય ગૌરવ નિર્માણ કરે છે. આ મનુષ્ય ગૌરવના મહાન ઉદ્દાતા પૂજય દાદા છે. તેમના અવતરણ પૃથ્વી પર આ મહાન સંદેશો વિશ્વને મળ્યો. તેમનું જીવન કાર્ય એક જ શબ્દોમાં કહેવું હોય તો 'મનુષ્ય ગૌરવ'! તેથી સ્વાધ્યાયયીઓએ તેમના જન્મદિન તારીખ ૧૯ ઓકટોબરને 'મનુષ્ય ગૌરવદિન' જેવું શોભાસ્પદ નામાભિધાન કર્યું છે.

    આજે માણસ સ્વાર્થી, લાલચુ, દીન, લાચાર થઇ માનવીય જીવન જ ભૂલી, ભોગ અને સ્વાર્થ પાછળ ભટકતો રહેલો દેખાય છે. જેને પરિણામે દરેક ક્ષેત્રમાં માનવની કિંમત ઘટતી જાય છે. માનવ વિશ્વકર્તાની શ્રેષ્ઠ કૃતિ છે, છતાં તે દયનીય બન્યો છે. માનવીય ગૌરવ ખલાસ થયું,  ત્યારે ફરીથી પૂજય દાદા એ મનુષ્ય ગૌરવ ઊભું કર્યું છે તેનો આ ગૌરવશાળી દિવસ છે.

પૂજય દાદાએ પ્રત્યેક માનવીને સ્વાધ્યાય મંત્ર આપી ભકિતની બેઠક ઉપર સ્વાધ્યાય કરતાં  કર્યા. બાળકો માટે બાલ સંસ્કાર કેન્દ્ર, યુવાન ભાઈ-બહેનો માટે યુવા-યુવતિ કેન્દ્ર,  બહેનો માટે મહિલા કેન્દ્ર દ્વારા દરેકને માટે નિઃસ્વાર્થ ભાવે પ્રભુકાર્ય કરતાં-કરતાં જીવન-વિકાસની કેડી કંડારેલી છે. પોતીકાને તો દરરોજ મળીએ, પરંતુ પ્રભુને-પ્રભુના લાડકાને મળવા જવાનું, નિઃસ્વાર્થ ભાવે પ્રભુ પ્રેમ પામવાની ભાવનાથી મળવા જવું એટલે ભાવફેરી એમ સમજાવીને પૂ. દાદાએ દરેક સ્વાધ્યાયીઓને ભાવફેરી કરતા કર્યા.

પ્રભુના સંતાનોને પ્રભુનો સંદેશો આપવા- મળવા જવાનું એટલે ભકિતફેરી તે સમજણ આપી દરેકને ભકિતફેરી કરવાની પ્રેરણા આપી.

પૂ. દાદાએ સમાજમાં વિવિધ સમુદાયો, વ્યવસાય કરતા લોકોમા સમજણ ઉભી કરીને કેટ કેટલાંયે પ્રયોગો સાકારિત કર્યા છે. જેમાં શ્રી દર્શનમ્, વૃક્ષમંદિર, માધવવૃંદ, અમૃતાલયમ્, યોગેશ્વરકૃષિ,  મત્સ્યગંધા, એકવિરા, હીરા મંદિર, પતંજલિ ચિકિત્સાલય, ગોરસ, શ્રીધર વાટીકા, માધવ વાટિકા, ત્વદર્થમ-રકત સમર્પણ, મંગલ-વિવાહ, આરોગ્ય સંયુજ, પ્રાર્થનામંદિર જેવા પ્રયોગોની તો વણઝાર છે.

આવું ભવ્ય અને દિવ્ય કાર્ય પ્રભુને ગમે છે અને પ્રભુ ચલાવે છે તે વિશ્વાસ સાથે પૂજય દાદાએ વ્યવસ્થિત આચાર સંહિતાયુકત વહીવટ સાથે ચાલે,  વ્યવસ્થાપન જળવાઈ રહે તે માટે સંસ્કૃતિ વિસ્તાર સંઘ, જ્ઞાન વિસ્તાર સંઘ જેવા અનેકવિધ ટ્રસ્ટ બનાવ્યા છે. ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠશાળા - મુંબઈ, તત્વજ્ઞાન વિદ્યાપીઠ- થાણા જેવી અનેકવિધ સંસ્થાઓ યશસ્વી રીતે સ્થાપેલી છે અને યશસ્વી રીતે ચાલે છે.

પ્રત્યેક માનવમાં તેજસ્વિતા અને અસ્મિતાયુકત વિચારો પ્રેરિત સ્વાધ્યાય કાર્ય ભારતવર્ષના રાજયો જેમકે, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, પશ્યિમ બંગાલ, ઓરિસ્સા, તેલંગાણા, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, ઉત્ત્।રાખંડ, ગોવા, છત્ત્।ીસગઢ, કેરલ, અને તમિલનાડુ, દિલ્હી, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, પોંડિચેરી રાજયોમાં ચાલે છે.

ઉપરાંત વિશ્વમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, નોર્થ આફ્રિકા, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપુર, વેસ્ટ ઈન્ડિઝ, ફીઝી, ફ્રાન્સ, ઈટલી, જર્મની, હોલેન્ડ, મધ્યપૂર્વ, અને ગલ્ફ દેશોમાં પણ સ્વાધ્યાય કાર્ય ચાલે છે.

    શ્રીમદ્બગવદ ગીતાના તેજસ્વી વિચારો આધારિત અનેક પ્રયોગો પૂજય દાદાએ ઊભા કર્યા છે, જે યશસ્વી રીતે ચાલે છે. જે પ્રયોગો નિહાળવા માટે દેશ-વિદેશના વિચારકો આવતા રહેલા છે. ઉપરાંત પૂજય દાદાએ એકાદશી, મંદિર, મૂર્તિપૂજા, ભકિત, યજ્ઞ, તીર્થયાત્રા, યુવાન, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, ઉપવાસ, વ્યાસપીઠ, શિબિરો, પાટોત્સવ જેવા સાંસ્કૃતિક સાધનોનો જીર્ણોદ્ઘાર કરેલો છે. 

પૂ. દાદાએ માત્ર સર્વધર્મ સમભાવ નહીં, માત્ર સર્વધર્મ સમન્વય નહીં પણ સર્વધર્મનો સ્વીકાર અને દરેક ધર્મ પ્રત્યે સદભાવ શીખવ્યો છે. આ અને આવું તો કેટકેટલું પૂજનીય દાદાજી માટે કહીએ! પૂજનીય દાદાજી એ કરેલું કાર્ય અતુલનીય છે જેના માટે પૂજનીય દીદીજીના શબ્દોમાં કહીએ તો દાદાએ બે હાથે ઉભું કરેલું કામ હજારો હાથોથી પણ સંભાળવું કઠિન છે.

સંકલનઃ ડો. વલ્લભભાઈ ભેસદડિયા

નિવૃત્ત્। નાયબ શિક્ષણ નિયામક,  ગાંધીનગર

(12:38 pm IST)