Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ચીનને અમદાવાદના સાણંદના ગોધાવી ગામની ગૌશાળા દ્વારા પડકારઃ ગાયના છાણમાંથી 11 લાખ દિવડાઓ બનાવીને વેંચાણ કરાશે

અમદાવાદઃ ચીનના માલસામાનનો બહિષ્કાર કરવાની સાથે તેનો વિકલ્પ પૂરો પાડવાના ભાગરૂપે રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા સંકલ્પનું પ્રતિબિંબ પાડતા અમદાવાદે તે દિશામાં પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. સમગ્ર દેશ દ્વારા ચીનની વસ્તુઓ પર આધારિત ન રહીને આત્મનિર્ભર બનવાનું વડાપ્રધાને આહવાન કર્યુ છે. તેના પગલે રાષ્ટ્રીય કામધેનું નિગમે ગાયના છાણ સહિતની તેના આધારિત ઉત્પાદનોને વેગ આપવાનો સંકલ્પ કર્યો છે. તેમા ગાયના છાણમાંથી દીવડા બનાવવાનો પ્રોજેક્ટ પણ છે.

અમદાવાદમાં સાણંદ નજીક આવેલા ગોધાવી ગામની ગૌશાળા દ્વારા ગાયના છાણમાંથી અલગ-અલગ પ્રકારના ડિઝાઇનર દીવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ગાયના છાણમાંથી દીવડા બનાવવાનો સંકલ્પ રાષ્ટ્રીય કામધેનું મિશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. તેના પગલે સમગ્ર દેશમાં ગાયના છાણમાંથી 33 કરોડના દીવડા બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આમ તેમા ગુજરાતમાંથી એકલા અમદાવાદની એક ગૌશાળાએ જ તહેવારો માટે 11 લાખ દીવડાનું લક્ષ્યાંક રાખ્યું છે.

આના અનુસંધાનમાં ગોધાવીની ગૌશાળાએ આ કામ હાથ પર લેતા સ્થાનિક મહિલાઓ દ્વારા ગાયના છાણમાંથી દીવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. તહેવાર નજીક આવતા મહિલાઓએ ગૌશાળામાં દીવા બનાવવાનું કામ શરૂ કર્યુ છે. અહીંની ગૌશાળામાં આ પ્રકારની 150થી પણ વધુ ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેના લીધે સ્થાનિક મહિલાઓને સારી એવી આવક પ્રાપ્ત થઈ રહી છે.

અમદાવાદ જિલ્લાની અંદર પ્રથમ વખત ગોબરના દીવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા 11 લાખથી વધારે દીવા બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ભારતે ચીનની મોટાભાગની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે આ વખતે ગોબરના વધુ દીવાઓ વેચાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

(4:50 pm IST)