Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગુજરાતમાં વિકાસની ફૂંકાતી ભૂંગળ વચ્ચે 161 ગામડામાં ગામડામાં હજી પાણીની પાઇપલાઇન નથી:વિકટ સ્થિતિ

જીવન ગુજારવા માટે ટાંકા, કુવા, ટેન્કર કે બોરમાંથી પાણી મેળવવું પડે છે.

અમદાવાદ : ગુજરાતમાં વિકાસના નામે પીટાતાં ઢોલ વચ્ચે આઝાદીનાં 72 વર્ષ પછી પણ કેટલાંક ગ્રામીણ વિસ્તારોમાં શહેરોની જેમ પાઈપલાઈન થકી પાણી આવતું નથી. જળ શક્તિ મંત્રાલય હેઠળ આવતા જળ જીવન મિશનની વેબસાઈટ પર રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે ગુજરાતનાં 161 ગામડાઓમાં આવેલા 30,478 ઘરોને પાઈપલાઈન થકી પાણી મળતું નથી અને જીવન ગુજારવા માટે ટાંકા, કુવા, ટેન્કર કે બોરમાંથી પાણી મેળવવું પડે છે.

આ 161 ગામડા પૈકી 141 ગામડાં પૂર્વી ગુજરાતના આદિવાસી બેલ્ટ ગણાતા સાબરકાંઠાથી છોટા ઉદેપુર વિસ્તારમાં આવેલા છે. સાબરકાંઠા, છોટા ઉદેપુર, પંચમહાલ સહિત 5 જિલ્લાઓનાં 141 ગામડાઓમાં પાઈપલાઈન થકી પાણી ઉપલબ્ધ નથી.

સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 66 ગામડાંઓ આવેલા છે કે જ્યાં પાઈપલાઈનથી પાણી આપવાની સુવિધા હજી સુધી આવી નથી. છોટા ઉદેપુરના આ 66 ગામડાંઓ પૈકી 42 ગામડાં નસવાડી અને બોડેલી તાલુકામાં આવેલા છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી, કવાંટ, નસવાડી સહિત 6 જિલ્લાનાં કેટલાંક ગામડાઓમાં પણ આવી જ સમસ્યા છે.

છોટા ઉદેપુર જિલ્લા બાદ સૌથી વધુ મહીસાગર જિલ્લાના 24 ગામડાઓમાં પણ પાઈપલાઈન સુવિધાના અભાવને લીધે નળમાં પાણી આવતું નથી. મહીસાગર જિલ્લાના કંડણા, લુણાવાડા અને સંતરામપુર તાલુકાના કેટલાંક ગામડાઓમાં પણ પાણી પાઈપલાઈન થકી આવતું નથી. છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લાને બાદ કરતા દાહોદ, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાનાં 51 ગામડાઓમાં આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે.

(6:49 pm IST)