Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અક્ષર પટેલને મતદારોએ ખખડાવી નાખ્યા

નવી જીથરડી ગામના મતદારોના તીખા સવાલો સામે બોલતી બંધ

કરજણ : રાજ્ય વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીને લઇ બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાડાઇ રહ્યું છે ત્યારે પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં શામેલ થયેલ અક્ષય પટેલ કે જેમને ભાજપે કરજણ બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે તેઓ જ્યારે ચૂંટણી પ્રચાર માટે ગામેગામ ફરી રહ્યાં છે એવામાં તેમને એક કડવો અનુભવ થયો. જેનાં લીધે તેમની સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતાં.

 

 કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ જ્યારે ચૂંટણી પ્રચાર કરવા જઇ રહ્યાં હતાં તેવાં સમયે મતદારોએ રીતસરના તેમને ખખડાવી દીધા હતાં. નવી જીથરડી ગામે પ્રચાર માટે ગયેલા અક્ષય પટેલ જ્યારે મતદારોને રિઝવવા માટે પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે નવી જીથરડી ગામના કેટલાંક લોકો તેમની પાસે આવી પહોંચ્યાં હતાં અને તેમને સીધો જ એવો સવાલ કર્યો હતો કે, ‘તેઓ ગત સમયે ચૂંટણી જીત્યા તે પછી કેટલી વાર તેમના ગામની મુલાકાત લીધી છે.’ જો કે સમયને પારખી ગયેલા મતદારોનો રોષ જોઈને અક્ષય પટેલે મૌન ધારણ કરી લીધું હતું. આ દરમિયાન ભાજપનાં કાર્યકરો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવી જીથરડી ગામના મતદારોના સવાલનો જવાબ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પણ આપી ન હોતા શક્યાં. એવું જાણવા મળી રહ્યું છે કે, અક્ષય પટેલ પર મતદારોનાં સીધા જ સવાલનો મારો ખુબ જ ઉગ્ર રીતે થઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું હતું. પરંતુ મતદારોના તીખા સવાલનો જવાબ આપવાને બદલે અક્ષય પટેલ અને તેમના કાર્યકર્તાઓએ ગામની બહાર નીકળવાનું જ પસંદ કર્યું. આ સાથે જેવાં ભાજપનાં ઉમેદવાર ગામ બહાર ગયા કે બાદમાં ગ્રામજનોમાં પણ આ ઘટના અંગેની ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું હતું.

(7:04 pm IST)