Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ઢગલાબંધ ફેક મેસેજથી પોલીસની ઊંઘ હરામ થઈ

સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ગરબા રમાય છે : બે દિવસમાં શહેર પોલીસને ૨૫થી વધુ મેસેજ મળ્યા

અમદાવાદ,તા.૧૯ : કોરોના મહામારીના કારણે ભલે આ વખતે નવરાત્રીના ગરબાનું આયોજન ન થયુ હોય, પણ પોલીસને મેસેજ મળવાના બંધ નથી થયા. ક્યાંક ગરબા ચાલુ છે તો ક્યાંક લોકો ભેગા થયા છે તેવા બે દિવસમાં ૨૫ મેસેજ શહેર પોલીસને મળ્યા છે. જોકે સ્થળ પર જઈને તપાસ કરે તો આવી કોઈ હકીકત પોલીસને નથી મળતી. અન્ય કોઈ બાંધકામના અવાજ કે કોઈ અન્ય કામ ચાલતા હોય તેવા અવાજ આવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ક્યાંક ગરબા રમાય છે, નજીકમાં ક્યાંક લોકો ભેગા થઈ સેલ્ફી લે છે તેવા મેસેજ હાલ અમદાવાદ શહેર પોલીસને મળી રહ્યા છે. નવરાત્રીના ગરબા તો રદ થયા છે પણ પોલીસને મેસેજ મળવાનું બંધ નથી થયું. ગત નવરાત્રીની સરખામણીએ ૧૦ ટકા મેસેજ પણ પોલીસને આ વખતે ન મળતા પોલીસે રાહત અનુભવી છે. કોવિડ ૧૯ના કારણે આ વખતે સરકારએ ગરબા આયોજન પર રોક લગાવી છે.

          જેને કારણે શહેર પોલીસે પણ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં શેરી ગરબા કે પાર્ટી પ્લોટમાં ગરબા ન કરવા કહેવાયું. તો બીજીતરફ માત્ર આરતીની મંજૂરી અપાઈ અને તેમાંય ગણતરીની સંખ્યામાં જ લોકો ભેગા થાય તેવો આદેશ કરાયો હતો. ત્યારે આ વખતે એક પણ જગ્યાએ ગરબા તો ન થયા પણ પોલીસને મેસેજ મળવાના બંધ ન થયા. બે જ દિવસમાં પોલીસને ૨૫ જેટલા મેસેજ મળ્યા. શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના ડીસીપી હર્ષદ પટેલ સાથે આ બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું કે જનરેટર ચાલુ છે ગરબા રમાય છે, બહારના લોકો આવીને વિડીયો ઉતારે છે, લાઉડ સ્પીકર વાગે છે, ભજન ચાલતા હતા તેમાં ગરબા રમાતા હતા આવા અનેક મેસેજ પોલીસ કંટ્રોલરૂમને મળ્યા હતા. જોકે કન્ટ્રોલ રૂમમાં પોલીસને આવા મેસેજ મળતા જ પોલીસ સીધી ઘટના સ્થળે પહોંચી. ત્યાં જઈને મેસેજ આધારે તપાસ કરી તો આવા કોઈ દ્રશ્યો ન દેખાયા. તેમ છતાંય ચેરમેન અને સેક્રેટરીને મળીને પોલીસે ખરાઈ કરી હતી. તો ક્યાંય ગરબા થયા હોવાનું ન જણાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કેટલીક જગ્યાઓ પર પોલીસે ક્રોસ ચેક કરવા સીસીટીવી પણ તપાસ્યા હતા. અનેક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા જેમાં નવરાત્રીનો આયોજકોએ અગાઉથી આયોજન કર્યું હોય પરંતુ સરકારની જાહેરાત બાદ તે આયોજન રદ કર્યું હોય.

(7:13 pm IST)