Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

યુનિવર્સિટી બોર્ડની ભરતીમાં સગાને નોકરી અપાવવાનું કૌભાંડ

કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી : યુની સામે કૌભાંડના આક્ષેપો થયા છે તે બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવનાબેન દવે મીડિયાથી દૂર રહ્યા હતા

અમદાવાદ,તા.૧૯ :  યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ભરતી પ્રક્રિયામાં સગાઓને નોકરીમાં સેટ કરી દેવાયાના આક્ષેપો થયા છે. ત્યારે આ મામલામાં કૌભાંડ અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ કમિટીએ ગ્રંથ નિર્માણ બોર્ડ પહોંચી પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે અને આ તપાસનો રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે. જોકે બોર્ડમાં ભરતી પ્રક્રિયા અંગે કરવામાં આવેલી ૪ આરટીઆઈ અંતર્ગત આ વિગતો સામે આવી છે. પરંતુ જેમની સામે કૌભાંડના આક્ષેપો થયા છે તે બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવનાબેન દવે  મીડિયાથી દૂર રહ્યા હતા. યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભરતી મામલે બોર્ડનાં પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવનાબેન દવે પર ભરતીમાં કૌભાંડ કરાયાનો આક્ષેપ થયો છે. ગ્રંથ નિર્માણ બોર્ડના પૂર્વ કર્મચારી દ્વારા જ કરાયેલી આરટીઆઈમાં વિગતો બહાર આવી છે.

             સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં મોબાઇલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને ભત્રીજા અને સગાને સિનિયર તરીકે પસંદ કરાવ્યાનો આક્ષેપ થયો છે. કોઇપણ ટેન્ડરીંગ વગર ભત્રીજાની કંપની સ્કૂલઈનડીઝાઇન પ્રાઈવેટ લિમિટેડને પરીક્ષા યોજવાનો ઓર્ડર આપ્યો હોવાનો પણ આક્ષેપ થયો છે. ગત ડિસેમ્બર માસમાં ભરતી પ્રક્રીયા હતી. જેમાં ૨૨૦૦ અરજીઓ પૈકી ૧૬૦૦ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાંથી ૧૩૦ ઉમેદવારોએ પાસ થયા હતા અને ઇન્ટરવ્યૂમાં ટોપ ૫૦ ઉમેદવારોને બોલાવાયા હતા. જેમાં  મિલન દિપક પંડ્યા અને છ વર્ષથી કરાર આધારીત નોકરી કરતા ચેતન ગોરીયાને સિલેક્ટ કરાયા હતા. બંને જાન્યુઆરી મહિનાથી હાલ નોકરીમાં કાર્યરત છે. આ અંગે આરટીઆઈ કરનાર અરજદાર એ જણાવ્યું કે, પેપરમાં ભરતી અંગે જાહેરાત આવી હતી. ઈન્ટરવ્યૂ લેવાશે એવું કહ્યું હતું, પણ ભાવનાબેનના ઓળખીતાને પરીક્ષા માટે કોન્ટ્રાકટ અપાયો હતો. ચોથી આરટીઆઈ શિક્ષણમંત્રી, કમિશનર અને હાલના ઉપાધ્યક્ષને કર્યો ત્યારે ૬૦ જેટલા પાનાનો જવાબ આપવામાં આવ્યો હતો. માહિતી છૂપાવવામાં આવી હતી, પહેલા કહ્યું કે, ઈન્ટરવ્યૂ લેવાશે પણ મોબાઈલના માધ્યમથી પરીક્ષા લેવાઈ. જો કરાર આધારિત વ્યક્તિને જ લેવો હતો તો કેમ ભરતી પ્રક્રિયા યોજી. આ અંગે સરકાર તપાસ કરે, જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ ગઈ છે પણ હજુ સુધી પરિણામ મૂકાયા નથી.

(7:16 pm IST)