Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મતાધિકારનો ઉપયોગ કરવા કર્મચારીઓને સવેતન રજા

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી

ગાંધીનગર,તા.૧૯ : રાજયમાં આગામી ત્રીજી નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન શ્રમયોગી/કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સવેતન રજા આપવાની રહેશે એમ રાજયના શ્રમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.આગામી તા. ૦૩-૧૧-૨૦૨૦, મંગળવારના રોજ ગુજરાત વિધાનસભા મતવિભાગની ૦૧-અબડાસા, ૬૧-લીંબડી, ૬૫-મોરબી, ૯૪-ધારી, ૧૦૬-ગઢડા, ૧૪૭-કરજણ, ૧૭૩-ડાંગ, અને ૧૮૧-કપરાડા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલી સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જે કોઇ માલિક જોગવાઈ વિરુધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે તેમ શ્રમ નિયામકશ્રીની યાદીમાં વધુમા જણાવાયુ છે.

(8:48 pm IST)