Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારી પૂર્વે જ કેવડિયા ખાતે ચાલી રહેલ કોવિડ ટેસ્ટિંગમાં આજે ૪ પોઝિટિવ કેસ નોંધાયા.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આગામી ૩૧મી ઓક્ટોબરે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે આ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવડિયા ખાતે આવશે અને એકતા પરેડમાં ભાગ લેશે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ઉભા કરાયેલા નવા આકર્ષણોનું લોકાર્પણ કરવાના છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગામી ૩૧મી ઓકટોબરના કાર્યક્રમને ધ્યાને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષાકર્મીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે

 નર્મદા જિલ્લા એપેડેમીક અધિકારી ડૉ આર. એસ. કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને આજે તા. ૧૯ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ કોરોનાના કુલ ૨૯૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે તે પૈકી ૦૪ કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે આ ઉજવણી સંદર્ભે કેવડીયા ખાતેના આજદિન સુધી કુલ ૪૬૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે આગામી ૩૧મી ઓક્ટોબર પહેલા સંપૂર્ણપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોરોના મુક્ત કરવા તરફ તંત્રએ દોડ લગાવી છે.

(10:10 pm IST)