Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

પ્રજાસત્તાક દિવસની પૂર્વ ઉજવણી: વડોદરામાં ગુજરાત પોલીસ દ્વારા યોજાયો લાઈવ બેન્ડ કોર્ન્સટ

જવાનોએ તાલબદ્ધ રીતે દેશભક્તિસભર ગીતોની સૂર સૂરાવલીઓ રેલાવ્યા

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરીની પૂર્વ ઉજવણીના ઉપલક્ષ્‍યમાં ભારત સરકારના રક્ષા મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત પોલીસ દ્વારા લાઈવ બેન્ડ કોર્ન્સટ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસ અને એસ.આર.પીના ૩૦ જવાનોએ તાલબદ્ધ રીતે દેશભક્તિસભર ગીતોની સૂર સૂરાવલીઓ રેલાવી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સારે જહા સે જહા સે અચ્છા હિન્દુસ્તા, મેરે દેશ કી ધરતી, મેરે વતન કે લોગો, પ્રીત જહા રીતે સદા કી, જેવા ગીતોની ધૂન રજૂ કરી દેશભક્તિનુ વાતાવરણ ખડુ કર્યું હતું.

આ તકે પોલીસ કમિશનર શમશેરસિંહ જણાવ્યું કે, રક્ષા મંત્રાલયની સૂચના મુજબ દેશ માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓના આદરમાં અને નાગરિકોમાં દેશભક્તિના ભાવના પ્રબળ બને તેવા હેતુસર આ લાઈવ કોર્ન્સટ બેન્ડનુ આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં શહેર પોલીસ દ્વારા માટાપાયે આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે.

ડીઆઈજી ડો. મહેશ નાયકે જણાવ્યું કે, પ્રજાસત્તાક દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા લાઈવ બેન્ડ કોર્ન્સટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના લોકો સંગીતને માણી શકે સાથો સાથ લોકોમાં દેશપ્રમની ભાવના વિકસે અને પ્રજા-પોલીસ વચ્ચે એક સેતુ નિર્માણ તેવા આશય સાથે આ કોર્ન્સટ યોજવામાં આવ્યો હતો

(12:57 am IST)