Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ઓક્સિજન ટેન્કરને એમ્બ્યુલન્સનું સ્ટેટસ અપાયું :સરકારના પરામર્શમાં ફાળવણી કરવાની રહેશે

મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. તથા ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનરના માર્ગદર્શન હેઠળ થશે કાર્યવાહી

અમદાવાદ : રાજયમાં હાલમાં કોવિડ 19ના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને રાજય સરકારે ઓક્સિજનના જથ્થાંના વિતરણ અને વપરાશ સંબંધે કેટલીક સૂચનાઓ જારી કરી છે. દરેક જિલ્લાને તેઓની જરૂરિયાત પ્રમાણે પ્રો રેટા જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુસર રાજયમાં આવેલ લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદકો તરફથી ફાળવવામાં આવતાં ગેસના એલોકેશન, ટેન્કરની અગ્રીમતા અને ફાળવણીનું સ્થળ વગેરે જિલ્લાની જરૂરિયાતો અનુસાર સરકારના પરામર્શમાં ફાળવણી કરવાની રહેશે.

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ મુજબ લિક્વિડ ઓક્સિજનના મોટા ઉત્પાદકોને ત્યાં એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઇ.ની નિમણૂંક કરવાની રહેશે. જેથી કરીને ઓક્સિજનની ટેન્કર સપ્લાયરના સ્થળેથી નીકળીને પુરતા જથ્થાં સામે ડેસ્ટીનેશન પહોંચે, ટેન્કરમાંથી રસ્તામાં કોઇ જથ્થો ડાયવર્ટ થવાનો પ્રશ્ન ઉદ્દભવે નહીં. આ બાબતે મહેસુલ વિભાગ, ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

હોસ્પિટલો ખાતે આવતાં ઓક્સિજનના જથ્થાં ખાલી કરતી વખતે તે કંટ્રોલ કરવા જે હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સીજનની ટેન્ક છે ત્યાં તોલમાપ વિભાગના ઇન્સ્પેકટર / અધિકારી અને પોલીસની કાયમી વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.

આ ઉપરાંત ઓક્સિજન ટેન્કરનું લોકેશન જાણવા અને ફાળવણીના સ્થળે પહોંચવાનો રૂટ બરોબર ફોલોઅપ થાય છે કે કેમ તે ચકાસણી માટે જીપીએસ સિસ્ટમ લગાવવાની જરૂરિયાત છે. જેથી 50 ટેન્કરોમાં જીપીએસ અને મોનીટરીંગ સિસ્ટમ ભાડેથી મેળવી લગાવવાની રહેશે.

ઉપરાંત હોસ્પિટલોમાં દર્દી માટે થતા ઓક્સિજનના વપરાશમાં પણ નર્સીંગ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપી જરૂર પુરતો ન્યાયિક/યોગ્ય વપરાશ થાય તથા વ્યય અટકે તે માટે નર્સિંગ સ્ટાફ તથા પેરા મેડિકલ સ્ટાફે જરૂરી મોનીટરીંગ કરવાનું રહેશે. તેમ જ ઓક્સિજનું વહન કરતા વાહનને એમ્બ્યુલન્સ સ્ટેટસ હોવાથી ટેન્કર/વાહનને ટોલટેક્ષ તથા ટ્રાફિકમાંથી ઝડપથી રસ્તો કલીયર થાય તે માટે ટ્રાફિક પોલીસે સ્ટેન્ડ ટુ રહીને યોગ્ય વ્યવસ્થા માટે કાર્યવાહી કરવાની રહેશે.

આ ઉપરાંત ઓક્સીજન કંટ્રોલ રૂમનું સંચાલન મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. એ.બી. પંચાલ, તથા ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી. કોશિયાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરવાનું રહેશે. ઉપરોક્ત તમામ કામગીરી પણ તેમના માર્ગદર્શન હેઠળ કરવાની રહેશે

(10:02 am IST)