Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

નરોડામાં ફરજ બજાવતા PSIનું કોરોનાથી નિધન

વધુ એક કોરોના વોરિયરનું મોત નિપજ્યું : પીએસઆઈ એએન ભટ્ટ ૧૨ સપ્ટેમ્બર સુધી ડ્યુટી પર હાજર રહ્યા હતા, આ દરમિયાન તેઓને તાવ આવ્યો હતો

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયરનું મોત નિપજ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈનુંનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન વહેલી સવારે પીએસઆઈ એએન ભટ્ટનું મોત થયું છે. આ નિધનથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો માહોલ ફેલાયો છે. પીએસઆઈ એએન ભટ્ટ ૧૨ સપ્ટેમ્બર સુધી ડ્યુટી પર હતા. આ દરમિયાન તેઓને તાવ આવ્યો હતો. ૧૩ સપ્ટેમ્બરના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. જો કે આ સમય દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી.

           ત્યારબાદ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી પણ તેઓની તબિયત વધુ લથડતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેઓનું આજે નિધન થયુ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૧,૯૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ૧ લાખ ૨ હજાર અને ૫૭૧ દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ૩,૩૦૫એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ ૩૭,૩૯,૭૮૨ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૬,૦૫૪ એક્ટિવ કેસમાંથી ૯૭ દર્દી વેન્ટિલેટર પર અને ૧૫,૯૫૭ દર્દીની હાલત સ્થિર છે.

(9:52 pm IST)