Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

નેતા મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો

ભાજપના નેતા માસ્ક વગર ટોળામાં ઝૂમ્યા :હાલમાં મધુ કોરોનાથી મુક્ત થયા છે, ત્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી

વડોદરા, તા.૨૦ : ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તાજેતરમાં કોરોના થયો હતો. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હવે તો તેઓ રિકવર થઈ ગયા છે. પરંતુ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તરત જ આ વિવાદિત ધારાસભ્યએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. જેનો પુરાવો આપતો વીડિયો પણ સામે આવ્યો છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું કોરોના સામે પણ શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ટોળાની વચ્ચે ઉભા રહીને ડાન્સ કરી રહ્યાં છે. હાલમાં જ મધુ શ્રીવાસ્તવ કોરોનાથી મુક્ત થયા છે. ત્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેઓએ એક ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમેય ધારાસભ્ય ભાન ભૂલી ડાન્સ કરવા લાગ્યા હતા. એટલુ જ નહિ, તેઓ માસ્ક પહેર્યા વગર ટોળામાં ઝૂમ્યા હતા.

             તેમના સમર્થકો પણ માસ્ક વગર ધારાસભ્ય સાથે ઝૂમ્યા હતા. વિડિયો સોશિયલ મીડિયામાં વાયલ થયેલા વીડિયો મામલે મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરીને કહ્યું કે, મારા ઘરની પાસે આવેલું હનુમાનજીનું મંદિર મેં બનાવડાવ્યુ છે. તેથી ઘરના મંદિરમાં માસ્ક પહેરવાની જરૂર રહેતી નથી. દર શનિવારે હું હનુમાન ચાલીસાના પાઠ કરું છું. તેઓ શનિવારે વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં દર્શન માટે ગયા હતા. ત્યાં ભજનનો કાર્યક્રમ હોવાથી મધુ શ્રીવાસ્તવ ડાન્સ કરવા લાગ્યા હતા. જોકે તાજેતરમાં જ કોરોનામુક્ત થયા હોવા છતાં તેમણે માસ્ક ન પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને પોતાની સાથે બીજા લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તાજેતરમાં જ કોરોનાથી સંક્રમિત થયા બાદ મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ પહેલા તેમનાં પીએ વિજય પરમારનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. અત્યારસુધીમાં વડોદરા જિલ્લાના બે ધારાસભ્યો અને ત્રણ પૂર્વ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે.

(7:43 pm IST)