Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

મામીના ભાઈ સાથે સેલ્ફી પડાવવી યુવતીને ભારે પડી

યુવક વારંવાર યુવતીને ધમકી આપતો હતો : યુવતીના પ્રેમમાં પાગલ થતા તેને યુવતીની મંજૂરી વગર ફોટો અપલોડ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેને મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. પ્રસંગ હોવાથી સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા. જોકે બાદમાં યુવક આ યુવતીના પ્રેમમાં પાગલ થતા તેને યુવતીની મંજૂરી વગર ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે. કઠવાડા રોડ પર રહેતી ૨૧ વર્ષીય યુવતી મૂળ મધ્યપ્રદેશની છે. યુવતીએ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. આજથી એકાદ વર્ષ પહેલા તે ઇન્દોર તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યાં તેના મામીના ભાઈ સાથે મિત્રતા થઈ હતી. પ્રસંગ હોવાથી અનેક સેલ્ફીઓ અને ફોટો પણ તેની સાથે પડાવ્યા હતા. બાદમાં આ યુવક અમદાવાદમાં કલર કામની મજૂરી કરતો હોવાથી અવાર નવાર યુવતીને ફોન કરતો હતો.

           જો યુવતી ફોન ન ઉપાડે તો તેના કલાસીસ બહાર પહોંચી જતો અને પ્રસંગમાં લીધેલા ફોટો માતા પિતાને બતાવવાની ધમકીઓ આપતો હતો. આટલું જ નહીં, એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે તો યુવતીનો મોબાઈલ ફોન પણ ખેંચી લેતા યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. બાદમાં થોડા સમય પહેલા યુવતીએ જોયું તો આ યુવકે તેના વોટ્સએપ સ્ટેટ્સમાં તે બંનેના ફોટો યુવતીની મરજી વગર મુક્યા હતા. યુવતીએ ઠપકો આપતા યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂકી હવે તો તે આ ફોટો ફેસબુકમાં પણ મુકશે તેવી ધમકી આપી હતી. જેથી આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

(7:46 pm IST)