Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કેવડિયા બચાવો આંદોલન સમિતિનું આગામી ૩૦-૩૧ ઓકટોબરે કેવડિયા બંધનું એલાન

દિન -૭ મા કેવડિયા વિસ્તારના આદિવાસીઓની માંગણીઓ પ્રત્યે ગુજરાત સરકાર યોગ્ય નિર્ણય નહિ લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી સમિતિએ આપી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તા મંડળને તત્કાલ હટાવી ૧૪આદિવાસી ગામ પંચાયતોના અધિકારો પરત કરો. ભારતીય સંવિધાનની પાંચમી અનુ સુચિ અને પેસા કાનુન મુજબ અહીં ગ્રામસભાના સ્વતંત્ર નિર્ણય લેવાના અમારાં મૌલિક અધિકારનો ઉપયોગ જરૂર થશે જ.અમારાં આ વિસ્તારમા ભારતીય બંધારણ અને આદિવાસી રુઢિ પરંપરાઓ મુજબ જે ઠરાવ થશે તે પ્રમાણે જ અમે કાર્ય કરવા બંધાયેલા છીએ.(અમે અમારી Judicial રીતે ચાલીશું સરકાર અમારાં Judicial અધિકારો નું રક્ષણ કરવા બંધાયેલી છે,આમ લોકતંત્રમા એકબીજા પ્રત્યે વિશ્વાસ બની રહેશે(૨) કોરોના લોકડાઉનની આડમાં તાર ફેન્સીંગ કરી જે ખેડૂતોની જમીનો પર સરકારે બિન કાયદેસર કબજો કર્યોં છે તે તમામ જમીનો પરના દબાણ હટાવી આદિવાસીઓના જીવનના સહારારુપ જમીનો પરત આપવામાં આવે (૩) વિયરડેમમા બિન જરૂરી રીતે પાણી ભરવાથી જે ખેડુતો અને આદિવાસીઓને નુકસાન થયુ છે તેમને ઉભા પાક નુકસાન જેટલું અનાજ આપવામાં આવે અને જે જમીનોનું ધોવાણ થયું છે તેમાં તત્કાળ માટી પુરી આપવામાં આવે. જે ઘરોને નુકશાન થયું છે તે તમામ ઘરો તત્કાલ જે તે સ્થિતિના બનાવી આપવામાં આવે.(૪) અમારાં માટે અમારાં ગામડાઓ જ આદર્શ ગામ છે હાલમાં અમારાં ઘરો જે સ્થિતિમા છે અમે તેનાથી ખુશ છીએ કેમકે અમો પ્રકૃતિના ખોળે રહેવાવાળા લોકો છીએ, ગાય, ભેંસ, બકરી,બળદ,પક્ષીઓ,કુતરા- બિલાડા અમારાં જીવનનો હિસ્સો છે જેથી અમોને હાલ ગોરા ગામ ખાતે જે નકલી આદર્શ ગામ બનાવી આપવા પ્લાન ચાલે છે જે અમોને કદાપિ મંજુર નથી.(૫) ૩૧ ઓકટોબરે વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ રદ્દ કરવામાં આવે. કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારમાં સીઆરપીએફના ૧૩૦ જવાનોમાંથી ૪૫ પોઝિટિવ કેસ આવ્યાં હતાં, બહાર નોકરીએ જતાં અહીંના એસ આર પીના જવાનો કોરોના પોઝિટિવ થઈને પાછા અમારાં વિસ્તારમાં આવે છે.હમણાં ૩૧ ઓકટોબરના કાર્યક્રમને લીધે જે અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાંથી પોલિસ ફોર્સ અને અન્ય ફોર્સ આવી રહી છે જેથી અમારાં વિસ્તારમાં કોરોના વધુ ફેલાઈ જવાનો ડર છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧ ઓકટોબરનો કાર્યક્રમ રદ્દ નહિ કરવામાં આવે તો આ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી જશે જે આદિવાસીઓ માટે ખતરારૂપ છે.(૬) ૧૪ ગામોની જમીનો પડાવવા હાલ જે નિતીનો ઉપયોગ થઈ રહયો છે જેનાથી અમો સહમત નથી. ગુજરાત સરકાર - નર્મદા જિલ્લા પોલીસ અને સરકારી પ્રશાસન ભારતીય બંધારણની ઉપરવટ જઈ અમોને ડરાવી ધમકાવી,બળ પુર્વક અમારી જમીનો પડાવી ,અમારાં અને અમારાં અધિકારોની વાત કરનારા સમાજ સેવકો પર ખોટા કેસો કરી અમોને હેરાન પરેશાન કરવાની આવી તમામ બિન કાયદેસરની પ્રવુતિઓ બંધ કરવામાં      આવે જાે અમારી માંગણીઓ નહિ સંતોષવામા આવે તો અમોને ગાંઘી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે .તેમઆવેદનમાં જણાવ્યું છે.

(10:37 pm IST)