Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વાપીમાં ધોળા દિવસે રિક્ષા ચાલકની હત્યાથી ચકચાર

હત્યારા, હત્યાનું કારણ શોધવા પોલીસની મથામણ : વાપીના છેવાડે આવેલા ડુંગરામાં સવારમાં થયેલી એક હત્યાની ઘટનાએ જિલ્લાભરની પોલીસને દોડતી કરી દીધી

વલસાડ,તા.૨૦ : ઔદ્યોગિક નાગરી વાપીના ડુંગરા વિસ્તારમાં એક રિક્ષા ચાલકની રિક્ષામાં જ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. મૃતક રિક્ષા ચાલક પોતાના નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળ્યો હતો. થોડા સમય બાદ જ પરિવારને હત્યાના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને રિક્ષા ચાલકની હત્યાનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવાની દિશાઓમાં તપાસ તેજ કરી છે. મળતી માહિતી પ્રમાણે વાપીના છેવાડે આવેલા ડુંગરા વિસ્તારમાં સવાર સવારમાં થયેલી એક હત્યાની ઘટનાએ જિલ્લાભરની પોલીસને દોડતી કરી દીધી હતી. ડુંગરા વિસ્તારના છેવાડે આવેલા એક અવાવરું રસ્તામાં રિક્ષામાં અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં રિક્ષામાં હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી લાશ ખુદ રિક્ષા માલિકની હોવાનું બહાર આવ્યું છે.

          વર્ષોથી વાપીના લવાછા વિસ્તારમાં રહી અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા અખિલેશ પાલ નામનો રિક્ષાચાલક ઘરેથી પોતાના નિત્યક્રમ મુજબ રિક્ષા લઇને સવારે નીકળ્યો હતો. મૃતક રિક્ષા ચાલક અખિલેશ પાલ પરિવારમાં કમાનાર મુખ્ય વ્યક્તિ હતો. તેની હત્યા થઇ જતા હવે પરિવાર નોંધારો બન્યો છે. મહત્વપૂર્ણ છે કે વાપીના લવાછા વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક રોજિંદા વાપીથી સેલવાસ રોડ પર ટ્રીપ મારતો હતો. આજે ઘરેથી નીકળ્યાના દોઢ કલાક બાદ જ પરિવારજનોને તેની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી. જે બાદમાં પરિવારજનો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મૃતક રિક્ષા ચાલક અખિલેશ પાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને તેની જ રિક્ષાની આગળની સીટ હત્યા કરવામાં આવી હતી. જે જગ્યાએ ઘટના બની છે તેની આજુબાજુ કોઈ રહેણાક વિસ્તાર નથી. આ એકાંત વિસ્તાર હોવાથી પોલીસને હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. મૃતક અખિલેશ પરિણીત છે અને તેને એક દીકરો પણ છે. તે ઉત્તર પ્રદેશથી પેટિયું રળવા માટે આવ્યા હતો અને રિક્ષા ચલાવી પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરતો હતો.

(9:01 pm IST)